(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૧
કોંગ્રેસે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીઓમાં રાજરાજેશ્વરીનગર મતવિસ્તારની બેઠક જાળવી રાખી છે. રાજરાજેશ્વરીનગર વિધાનસભા મતવિસ્તારમાં કોંગ્રેસે ભાજપ અને જનતાદળ (એસ)નો હરાવ્યા છે. બેંગલુરૂના એક ફ્લેટમાંથી આશરે ૧૦ હજાર વોટર આઇડી કાર્ડ મળી આવ્યા બાદ આ મતવિસ્તારમાં ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી. રાજરાજેશ્વરીનગરની બેઠક પર કોંગ્રેસના એન.મુનિરત્નનો વિજય થયો છે. મુનિરત્ને તેમના નિકટના હરીફ અને ભાજપના ઉમેદવાર તુલસી મુનિરાજુ ગોવડાને ૨૫,૦૦૦થી પણ વધુ મતોથી પરાજય આપ્યો છે. વિધાનસભાની ચૂંટણીઓ પહેલા ભાજપ છોડીને જેડીએસમાં જોડાયેલા જેડીએસના ઉમેદવાર જીએચ રામચંદ્ર ત્રીજા સ્થાને રહ્યા છે. રાજરાજેશ્વરીનગર બેંગલુરૂના સૌથી વિશાળ મતવિસ્તારોમાંથી એક છે. આ મતવિસ્તારમાં આશરે ૪.૭૧ લાખ મતદારો છે. વોટર આઇડી કાર્ડ સાથે સંબંધિત કેસમાં મુનિરત્નનું નામ આરોપી તરીકે છે.