નવી દિલ્હી.
કોંગ્રેસે સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસ દીપક મિશ્રાને તેમના હોદ્દાએથી દૂર કરવાની માગણીના સમર્થનમાં પાંચ કારણો બતાવ્યા છે. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ સાથે થયેલી ૪૦ મિનિટ લાંબી મુલાકાતમાં રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામનબી આઝાદે ૭૧ સાંસદોના હસ્તાક્ષરવાળો પ્રસ્તાવ ઉપરાષ્ટ્રપતિને આપ્યો છે. જોકે, ૭ સાંસદોનો કાર્યકાળ પુરો થઇ ગયો હોવાથી ૬૪ સાંસદના હસ્તાક્ષર જ માન્ય ગણાશે.
૧. ચીફ જસ્ટિસ પોતાના હોદ્દાનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે જણાવ્યું કે દીપક મિશ્રાના વહીવટી નિર્ણયોથી નારાજગી છે. ૪ જજ એવું બતાવવા માગતા હતા કે બધું ઠીક થઇ રહ્યું નથી. સીજેઆઇ હોદ્દાનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે.
૨. ન્યાયતંત્રની આઝાદી એક બંધારણીય અનિવાર્ય છે. સિબ્બલે કહ્યું કે આપણા બંધારણીય માળખામાં ન્યાયતંત્રનું એક બહુ જ ખાસ સ્થાન છે. તેની આઝાદી એક બંધારણીય અનિવાર્ય છે અને તેના વગર લોકતંત્રને ફરક પડે છે. ન્યાયમૂર્તિઓએે ઇમાનદારીથી ઉચ્ચતમ સ્તર જાળવી રાખવું જોઇએ. તેમને એક જ માનકો દ્વારા પણ ચકાસવા જોઇએ.
૩. બંધારણ મુજબ સત્તાનો ઉપયોગ કર્યો નથી. સિબ્બલે જણાવ્યું કે જ્યારે સુપ્રીમકોર્ટના ન્યાયમૂર્તિઓ સીજેઆઇના કાર્યાલયના કામકાજ તરફ ઇશારો કરીને પોતે એવું માને છે કે ન્યાયતંત્રની આઝાદી ખતરામાં છે તો, શું રાષ્ટ્રે આની સામે ઉભા ન થવું જોઇએ. વરિષ્ઠ ન્યાયમૂર્તિઓના તાજેતરના બ વક્તવ્યોએ એવું પણ બતાવ્યું છે કે ભારતના ચીફ જસ્ટિસે બંધારણ મુજબ સત્તાનો ઉપયોગ કર્યો નથી.
૪. સીજેઆઇએ મર્યાદાનો ભંગ કર્યો. તેમણે કહ્યું કે ચીફ જસ્ટિસનો હોદ્દો સંભાળી રહેલી વ્યક્તિએ અખંડતાના સર્વોચ્ચ માનકોને આધારે નિર્ણય લેવો જોઇએ. અમે ચીફ જસ્ટિસ દીપક મિશ્રાને હટાવવાની માગણી કરીને એક મહાભિયોગ પ્રસ્તાવ લાવ્યા છીએ. સિબ્બલે કહ્યું કે સીજેઆઇએ મર્યાદાનો ભંગ કર્યો છે. ન્યાયતંત્ર મજબૂત હોય, વહીવટીતંત્રથી સ્વતંત્ર હોય અને ઇમાનદારીથી પોતાના કર્તવ્ય પુરા કરે ત્યારે જ લોકતંત્ર સફળ થઇ શકે છે.
૫. ખોટું સોગંદનામું આપ્યું. સિબ્બલે કહ્યું કે ચીફ જસ્ટિસ જ્યારે વકીલ હતા ત્યારે તેમણે એક જમીનના સંદર્ભમાં ખોટું સોગંદનામું આપ્યું હતું. અમારા પાંચ આરોપોથી સ્પષ્ટ થઇ જાય છે કે ચીફ જસ્ટિસે પોતાના હોદ્દાનો દુરુપયોગ કર્યો છે.
દીપક મિશ્રાના મહાભિયોગ માટેની નોટિસ પર મનમોહન, ચિદમ્બરમે શા માટે હસ્તાક્ષર ન કર્યા

જસ્ટિસ દીપક મિશ્રા વિરૂદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ પર પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ અને પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમે હસ્તાક્ષર નહોતા કર્યા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે કહ્યું કે, મનમોહન પૂર્વ વડાપ્રધાન છે અને જસ્ટિસ દીપક મિશ્રા તેમના કાર્યકાળમાં જ સુપ્રીમ કોર્ટના જજ બન્યા હતા તેથી જાણીજોઇને તેમને આ મામલાથી દૂર રાખવામાં આવ્યા છે. ચિદમ્બરમ માટે એવું કહેવાયું છે કે, તેમના વિરૂદ્ધ અને તેમના પુત્ર વિરૂદ્ધ કોર્ટમાં કેસોચાલે છે તેથી પ્રસ્તાવમાં તેમના નામો અંગે ખોટી અફવાઓ ફેલાવાઇ શકે છે. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહ હાલ નર્મદા યાત્રામાં ભાગ લઇ રહ્યા છે તેથી તેઓ હાજર નહીં રહે. અમારા સહી કરનારા કુલ ૭૧સભ્યોમાંથી સાત નિવૃત છે. તેથી અમે ૬૪ની ગણતરી રાખીએ છીએ. મહાભિયોગમાં પ્રથમ સહી ગુલામનબી આઝાદની છે જેઓ રાજ્યસભાના વિપક્ષના નેતા છે.