(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૧૭
ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠા સમાન બની રહેલી રાજ્યસભાની ચૂંટણી આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ તેના તમામ ધારાસભ્યોને માતા-પિતા બાળકોને આંગળી પકડી ફેરવે તેમ સાવચેતીપૂર્વક આમથી તેમ ફેરવી રહ્યા છે. કોંગ્રેસનો હવે એકેય ધારાસભ્ય ન તૂટે તે માટે અમદાવાદની તાજ ઉમેદ હોટલમાં ખસેડ્યા છે. જ્યાં કોઈ પણ વ્યક્તિ પ્રવેશે નહીં તે માટે પ્રવેશબંધી લગાવી દીધી છે. રાજ્યસભાની ચૂંટણીના મતદાન માટે હવે એક દિવસ જ બાકી છે તેવામાં સમયે હવે ગુજરાત કોંગ્રેસ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. ગુજરાત કોંગ્રેસે પોતાના તમામ ધારાસભ્યોને અમદાવાદની તાજ ઉમેદ હોટેલમાં ખસેડ્યા છે. પણ હવે એક દિવસ પહેલાં કોઈ ધારાસભ્ય તૂટી ન જાય તે માટે કોંગ્રેસ દ્વારા તાજ ઉમેદમાં કોઈપણ વ્યક્તિ માટે પ્રવેશબંધી લગાવી દીધી છે. રાજ્યસભાની ચૂંટણી માટે કોંગ્રેસના શીર્ષ નેતૃત્વનું કડક વલણ જોવા મળી રહ્યું છે. તમામ ધારાસભ્યોના મોબાઈલ ફોન બંધ કરાવશે. હોટલમાં ૨ ઉમેદવાર અને ધારાસભ્યો સિવાય કોઈને પ્રવેશ નહીં આપવામાં આવે. ધારાસભ્યોની ગાડીઓ પણ હોટલની બહાર રહેશે. ધારાસભ્યોની સાથે આવેલા લોકોને પણ હોટલની બહાર કઢાશે. છેલ્લી ઘડીએ કોઈ ધારાસભ્ય સાથ ન છોડે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યસભાની ચૂંટણીને પગલે વિધાનસભા પ્રવેશ દ્વારે આધુનિક સ્કેનર મશીન લગાવ્યું છે. વિધાનસભામાં પ્રવેશ કરતાં સમયે તમામ ધારાસભ્યોનું ટેમ્પરેચર ચેક થશે. માસ્ક અને ટેમ્પરેચર યોગ્ય છે કે, નહીં તેના ચેકીંગ માટે સ્કેનિંગ મશીન લગાવાયું છે. આ ઉપરાંત કોંગ્રેસના ગુજરાત પ્રભારી રાજીવ સાતવ પણ આવતીકાલે તાજ ઉમેદ હોટલમાં પહોંચશે જ્યાં તેઓ ધારાસભ્યોને એકડા-બગડાની રમત શીખવાડશે. તમામ ધારાસભ્યોએ તેમના બંને ઉમેદવારો જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બીજી તરફ ધારાસભ્ય શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાનો મત કોંગ્રેસને જ મળશે. જો કાંધલ વ્હીપનો અનાદર કરશે તો તેનું ધારાસભ્ય પદ રદ્દ થઈ જશે. ધારાસભ્ય વિરજી ઠુમ્મરે ભાજપ પર આક્ષેપ કર્યો હતો કે, ભાજપ હજુ અમારા ધારાસભ્યોને સંપર્ક કરે છે. પરંતુ વેચાવાવાળા વેચાઈ ગયા હવે કોંગ્રેસમાંથી કોઈ નહીં જાય, અમે બંને બેઠકો જીતીશું તેવો તેમણે પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.