(સંવાદદાતા દ્વારા)
ભાવનગર, તા.૪
ભાવનગર શહેરમાં ગેરકાયદેસર દબાણો હટાવવાની ઝુંબેશમાં તંત્રની બેધારી નીતિ સામે કોંગ્રેસે વિરોધ કરી રેલી યોજી આવેદનપત્ર આપ્યું છે. પગલાં નહીં લેવાય તો આમરણાંત ઉપવાસની ચીમકી પણ ઉચ્ચારી છે. ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી કે, ભાવનગર શહેરના કાળિયાબીડ જેવા વિસ્તારમાં મોટા-મોટા ગેરકાયદેસર અને બોરતળાવની ડૂબની જમીન ઉપર પાકા બાંધકામો કરવામાં આવ્યા છે. તેની સામે કોઈ પગલાં લેવામાં આવતા નથી. આવા ગેરકાયદેસર દબાણો દૂર કરાતા નથી. માત્ર ગરીબ અને આર્થિક રીતે નબળા લોકોના ઝૂંપડાઓ તોડી નાખવામાં આવે છે. નાના માણસોના દબાણો હટાવવામાં આવે છે. આ રીતે બેધારી નીતિ અપનાવવામાં આવી રહી છે. તેનો કોંગ્રેસ પક્ષે વિરોધ કર્યો છે. જો ૪૮ કલાકની અંદર કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો કોંગ્રેસ પક્ષ દ્વારા ધરણા અને આમરણાંત ઉપવાસની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ બાબતે મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા તેમજ અન્ય કોર્પોરેટર દ્વારા પણ વિરોધ કરવામાં આવેલ છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. ફક્ત ખાત્રી આપેલ છતાં આજદિન સુધી કોઈ પગલાં લેવામાં નહીં આવતા આ બાબતે રાજ્યના મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રી અને સંબંધિત વિભાગના અધિકારીને રજૂઆત કરેલ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી. આવેદનપત્ર આપતી વેળાએ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રકાશ વાઘાણી, ભાવનગર મહાનગરપાલિકા વિરોધપક્ષના નેતા જયદીપસિંહ ગોહિલ સહિતના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.