(એજન્સી) નવી દિલ્હી, તા. ૨
કોંગ્રેસના મંગળવારે જારી કરવામાં આવેલા ચૂંટણી ઢંઢેરામાં વિવાદાસ્પદ સશસ્ત્ર દળોને ખાસ સત્તા આપતા કાયદા (અફસ્પા)ને સામેલ કરવામાં આવ્યું છે. કોંગ્રેસે લોકસભાની આગામી ચૂંટણીઓમાં વિજય હાંસલ કરીને સત્તામાં આવશે તો, બળવાખોરગ્રસ્ત વિસ્તારોમાં ભારતીય સશસ્ત્ર દળોને ખાસ સત્તાઓ આપતા કાયદા (અફસ્પા)માં સુધારા કરવાનું વચન આપ્યું છે. કોંગ્રેસના ઘોષણાપત્રના ૩૫ નંબરના પાનામાં સુરક્ષા દળોને સત્તાઓ આપવા માટે ૧૯૫૮માં ઘડાયેલા સશસ્ત્ર દળોના કાયદા અને નાગરિકોના માનવ અધિકારો વચ્ચે સમતુલા સાધવાનું જણાવવામાં આવ્યું છે. જમ્મુ અને કાશ્મીર અંગેના તેના વિભાગમાં ઘોષણા પત્રમાં ફરી અફસ્પાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના ઘોષણા પત્રમાં સશસ્ત્ર દળો (ખાસ સત્તાઓ) કાયદા અને જમ્મુ-કાશ્મીરમાં અશાંત વિસ્તાર ધારાની સમીક્ષા કરવાનું પણ જણાવવામાં આવ્યું છે. માનવ અધિકારોની સુરક્ષા અને સુરક્ષાની જરૂરિયાતો વચ્ચે સમતુલા સાધવા માટે કાયદાઓના ટેક્સ્ટ (મૂળ પાઠ)માં યોગ્ય સુધારા કરવામાં આવશે. અફસ્પા કાયદો જમ્મુ-કાશ્મીર, નાગાલેન્ડ, મણિપુર અને ઉત્તરપૂર્વના રાજ્યોના કેટલાક ભાગોમાં અમલી છે.