ભોપાલ,તા.૯
બિહાર વિધાનસભાની ચૂંટણીની સાથે સાથે મધ્ય પ્રદેશની ૨૮ બેઠકો પર પણ પેટા ચૂંટણી યોજાઇ હતી. જેનું પરિણામ ૧૦ નવેમ્બરે મંગળવારે જાહેર કરવામાં આવશે. પેટા ચૂંટણીના પરિણામ મધ્ય પ્રદેશની શિવરાજ સરકારનું ભવિષ્ય નક્કી કરશે. મધ્ય પ્રદેશમાં શિવરાજ સિંહ ચૌહાણે પોતાની સરકાર બચાવવી છે તો તેમણે ૯ બેઠકો તો જીતવી જ પડશે. બીજી તરફ મધ્ય પ્રદેશ કોંગ્રેસે પણ જીતનો દાવો કર્યો છે. મહત્વપૂર્ણ છે કે રાજ્યસભાની ચૂંટણી પહેલા જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસમાંથી બળવો કરતા સિંધિયાની સાથે ૨૨ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા જેને કારણે આ બેઠકો ખાલી પડી હતી. મધ્ય પ્રદેશની ૨૮ બેઠકો પર પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાંથી ૨૨ બેઠક એવી છે જેમાં કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા અને ભાજપમાં જોડાઇ જતા કમલનાથની સરકાર તૂટી ગઇ હતી અને ફરી શિવરાજ સિંહ ચૌહાણની સરકાર બની હતી. ચોથી વખત મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી બનેલા શિવરાજ સિંહ ચૌહાણ સરકારનું ભવિષ્ય આ ૨૮ બેઠકો પર રહેલુ છે. મધ્ય પ્રદેશમાં અત્યારે ભાજપના ૧૦૭ ધારાસભ્ય છે અને ભાજપને સાદી બહુમતી માટે આ ૨૮ બેઠકમાંથી ઓછામાં ઓછી ૯ બેઠક જીતવી જરૂરી છે. બીજી તરફ જ્યોતિરાદિત્ય સિંધિયા જૂથના ધારાસભ્યોના પક્ષ પલટાથી સત્તા ગુમાવનાર કમલનાથ આ પેટા ચૂંટણી દ્વારા ફરી રાજ્યની સત્તા હસ્તગત કરવાની ક્ષમતા ધરાવે છે. જોકે, તે માટે કોંગ્રેસે તમામ ૨૮ બેઠક જીતવી જરૂરી છે, જે અશક્ય લાગી રહ્યુ છે. મધ્ય પ્રદેશ કોંગ્રેસ મતદાન પછી જીતનો દાવો કરી રહી છે અને રાજ્યમાં કમલનાથ સરકાર બનવાનો વિશ્વાસ છે. મધ્ય પ્રદેશ જનમત એક્ઝિટ પોલ કોંગ્રેસના ૨૮માંથી ૨૭ બેઠક જીતવાનો દાવો કરી રહી છે જ્યારે બસપાને ૧ બેઠક મળી રહી છે. ભાજપને એક પણ બેઠક આપવામાં આવી નથી.
કોંગ્રેસે સત્તા પ્રાપ્ત કરવા ૨૮ બેઠકો જીતવી જરૂરી આજે મ.પ્રદેશની પેટાચૂંટણીના પરિણામ : ભાજપને સત્તા ટકાવી રાખવાનો મોટો પડકાર

Recent Comments