અંકલેશ્વર, તા.ર૭
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આયોજિત ગાંધી સંદેશ યાત્રા શનિવારના રોજ ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના સાહોલથી પ્રવેશ કરશે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત ગાંધી સંદેશ યાત્રાનો પ્રારંભ નવસારી જીલ્લાના દાંડી ખાતેથી કરાયો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમિત ચાવડા તેમજ ગુજરાતના પ્રભારી રાજીવ સાતમના નેતૃત્વમાં પ્રારંભ કરાયેલી આ યાત્રા શનિવારના રોજ હાંસોટ તાલુકાના સાહોલ ગામે શનિવારની સવારે ૧૦ઃ૦૦ વાગ્યે પહોંચશે. હાંસોટ તાલુકાના સાહોલથી શરૂ થનાર યાત્રા હાંસોટ તાલુકાના સુણેવ, રાયમા, વાલનેર, રોહિદ થઈ અંકલેશ્વર તાલુકાના સજોદ ગામ થઈ અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારોમાં ફરશે. ત્યારબાદ અંકલેશ્વર જીઆઇડીસી ખાતે ગાંધી સંદેશ યાત્રા પહોંચશે અને નેશનલ હાઇવે તેમજ ગ્રામ્ય વિસ્તારમાં થઈને સાંજે ભરૂચ પહોંચશે. આ અંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા નાઝુ ફડવાલાએ જણાવ્યું હતું કે જે જે રસ્તા પરથી આ યાત્રા પસાર થનાર છે ત્યાં કોંગ્રેસ અગ્રણીઓ તેમજ ગ્રામજનો દ્વારા ગાંધી સંદેશ યાત્રાનું સ્વાગત કરવામાં આવશે. ગાંધીજી ના સત્ય અને અહિંસાના સંદેશને પ્રસરાવતી આ યાત્રા સમગ્ર દિવસ દરમિયાન અંકલેશ્વર હાંસોટ અને ભરૂચના વિસ્તારોમાં ફરશે.
કોંગ્રેસ આયોજિત ગાંધી સંદેશ યાત્રા આજે હાંસોટ મુકામે પ્રવેશ કરશે

Recent Comments