(એજન્સી) નવી દિલ્હી, તા.રપ
પેટ્રોલ અને ડીઝલની કિંમતો અસહ્ય બનતા મુખ્ય વિપક્ષ કોંગ્રેસ આગામી સોમવારે જંગી વિરોધ પ્રદર્શન યોજશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા કે.સી.વેણુગોપાલે જણાવ્યું હતું કે, પાર્ટી દ્વારા શુક્રવારે ચીન મુદ્દે પણ સરકાર સામે વિરોધ કરવામાં આવશે. કોંગ્રેસે જણાવ્યું હતું કે, ચીને ભારતથી સરહદમાં ઘૂસણખોરી કરી ભારતીય શહીદોને શહીદ કર્યા હતા. કોંગ્રેસે જણાવ્યું હતું કે, આગામી ર૬ જૂને પાર્ટી દ્વારા સમગ્ર ભારતમાં ‘શહીદો કો સલામ દિવસ’ તરીકે સરહદે શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા કાર્યક્રમ યોજાશે તેઓ શહીદ સ્મારક અથવા ગાંધીજીની પ્રતિમા ખાતે ધરણા કરશે. આ મામલે કોંગ્રેસના તમામ રાજ્ય એકમોને જાણ કરવામાં આવી છે. જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા સમયે કોઈપણ પ્રકારની નારેબાજી કરવામાં આવશે નહીં. મૌન પ્રદર્શનો દરમ્યાન પ્લેકાર્ડ, મીણબત્તી અને રાષ્ટ્રીય ધ્વજ સાથે દેખાવો યોજવામાં આવશે. શુક્રવારે સવારે ૧૧ વાગ્યાથી બપોરે ૧ર વાગ્યા સુધી દેખાવો યોજવામાં આવશે. આ જ દિવસે આપણા જવાનોના સમર્થનમાં સમગ્ર દેશમાં ઓનલાઈન દેખાવો પણ યોજવામાં આવશે.