(સંવાદદાતા દ્વારા) સુરત તા.૨૮
ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાહુલ ગાંધીએ ગરીબી સામેની ઐતિહાસિક લડાઇની કરેલી જાહેરાતની વિગતો આપતા શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકાએ જણાવ્યું હતું કે, મીનીમમ ઇન્કમ સ્કીમ ગેરંટી અંતર્ગત દેશના ર૦ ટકા ગરીબ પરિવારોને ૭ર,૦૦૦ રૂપિયા વાર્ષિક મહિલાના ખાતામાં જમા કરવામાં આવશે. માસિક ૧ર,૦૦૦ રૂપિયાથી ઓછી આવક ધરાવતા ગરીબ પરિવારોને આનો લાભ મળશે. કોંગ્રેસ પક્ષે આ અંગે પ્રખર અર્થશાસ્ત્રી અને પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહનસિંહ અને પૂર્વ નાણામંત્રી સહિત અનેક અર્થ શાસ્ત્રીઓ સાથે આ યોજના અંગે સતત ચાર મહિના સુધી ચિંતન કરી આ યોજના દેશને સમર્પિત કરી છે. કોંગ્રેસ કેન્દ્રમાં સરકાર બનાવતા જ આ યોજના લાગુ કરી દેશના પાંચ કરોડ પરિવાર એટલે કે, રપ કરોડ ગરીબ નાગરિકોને આ યોજનાનો લાભ આપવામાં આવશે. લોકસભા ચૂંટણી ર૦૧૯માં કોંગ્રેસ પક્ષ તરફથી ન્યાય ન્યુનત્તમ આય યોજના અંગે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બાબુભાઇ રાયકાએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ નોટબંધી કરીને દેશની ગરીબ જનતાના રૂપિયા છીનવી લીધા, જ્યારે રાહલ ગાંધી રીમોનીટાઇઝેશન કરીને દેશની ગરીબ જનતાને લાભ આપશે, કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ગરીબોની ચિંતા કરે છે. ભાજપના ચોકીદાર મોદી ઉદ્યોગપતિઓની ચિંતા કરે છે. આ યોજના અંતર્ગત ૩.૬૦ લાખ કરોડ ફાળળવામાં આવશે, જ્યારે મોદીએ ૩.પ૦ લાખ કરોડ ૧પ ઉદ્યોગપતિઓના દેવા માફ કર્યા છે. મનરેગા યોજનામાં ૧૪ કરોડ લોકોને રોજગાર પ્રાપ્ત થયો હતો. મીનીમમ ઇન્કમ સ્કીમ ગેરંટી યોજનામાં દેશના પાંચ કરોડ પરિવારોને આ યોજનાનો લાભ મળવાનો છે.