અમદાવાદ, તા.ર૮
મીસકોલ કરો અને ભાજપના સભ્ય બનો એવું ભાજપે સદસ્યતા અભિયાન હાથ ધર્યું હતું અને સભ્ય નોંધણી ઝુંબેશ શરૂ કરી હતી તે બાદ હવે કોંગ્રેસે પણ સભ્ય નોંધણી ઝુંબેશ શરૂ કરવાનું નક્કી કર્યું છે. જો કે, આ અભિયાન મીસકોલ જેવું કે, ફોર્મ ભરવા જેવું નહીં હોય પરંતુ સંપૂર્ણ પેપરલેસ એટલે કે, ડિજીટલ હશે જેમાં તાલીમ પામેલા કોર્ડિનેટર સભ્ય નોંધણી કરશે. ૧ કરોડથી વધુ લોકોને પક્ષમાં જોડાવવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસની મળેલી બેઠકમાં આ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સભ્ય નોંધણી ઝુંબેશ અંગેની બેઠકમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા લક્ષ્યાંક અપાયો હતો. આ લક્ષ્યાંક હેઠળ સમગ્ર ગુજરાતમાં ૧ કરોડથી પણ વધારે લોકોને કોંગ્રેસમાં જોડવામાં આવશે. આગામી ૨૮ ડિસેમ્બરે કોંગ્રેસના સ્થાપના દિવસથી કોંગ્રેસ સભ્ય નોંધણી ઝુંબેશની શરૂઆત કરવામાં આવશે. અને આ અભિયાન એપ્રિલ ૨૦૨૦ સુધી ચાલશે. અને આ સભ્ય નોંધણી ઝુંબેશ ડિજિટલ છે, અને આ ઝુંબેશ હેઠળ પેપરલેસ નોંધણી કરવામાં આવશે. આ ઉપરાંત કોઈપણ સભ્યોની કોઈપણ પ્રકારની ફી લેવામાં આવશે નહીં અને તાલીમ પામેલા કોર્ડિનેટર સભ્ય નોંધણી કરશે.
કોંગ્રેસે આ માટે દરેક બૂથ ઉપર ૨ જનમિત્રની નિમણૂક કરશે. તો સાથે જ મહિલાઓને પણ જનમિત્ર બનાવવામાં આવશે. દરેક જનમિત્રને ૨૦૦ લોકોને કોંગ્રેસમાં જોડવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. આ મામલે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપનાં સદસ્યતા અભિયાન પર પ્રહાર કરતાં કહ્યું કે, મિસકોલ પાર્ટીના શું હાલ થયા છે એ પેટાચૂંટણી અને બીજા રાજ્યોની ચૂંટણીમાં જોઈ લીધું છે. પરંતુ અમે લોકોને કોંગ્રેસની વિચારધારા સાથે સામેલ કરીશું