(એજન્સી) તા.ર૩
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કાશ્મીર મુદ્દે મધ્યસ્થીનો પ્રસ્તાવ મુકતા મંગળવારે લોકસભામાં હોબાળો થયો હતો. કોંગ્રેસે આ મુદ્દા પર વડાપ્રધાન મોદી પાસેથી જવાબ માંગ્યો હતો. લોકસભાની કાર્યવાહી શરૂ થતાની સાથે જ કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોએ આ મુદ્દે ગૃહમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. ટ્રમ્પે સોમવારે દાવો કર્યો હતો કે વડાપ્રધાન મોદીએ તેમને કાશ્મીર મુદ્દે મધ્યસ્થી કરવા કહ્યું હતું. ગૃહમાં ભારે ધાંધલ વચ્ચે સ્પીકર ઓમ બિરલાએ કહ્યું હતું કે આ એક ગંભીર મુદ્દો છે અને તેના પર રાજનીતિ ન થવી જોઈએ. કોંગ્રેસના સભ્યોએ સૂત્રોચ્ચાર કર્યો હતો કે અમને જવાબ આપો. ગૃહમાં પાર્ટીના નેતા અધિર રંજન ચૌધરીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મુદ્દે જવાબ આપવો જોઈએ. રાજ્યસભામાં કોંગ્રેસના નેતા મનીષ તિવારીએ કહ્યું હતું કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની હાજરીમાં કહ્યું હતું કે વડાપ્રધાન મોદીએ તેમને કાશ્મીર મુદ્દે મધ્યસ્થી કરવાનો અનુરોધ કર્યો હતો. આ બાબત ભારતના સાર્વભૌમત્વ માટે આંચકા સમાન છે. પ્રમુખ ટ્રમ્પે કહ્યું હતું કે જ્યારે ઓસાકામાં તેમની વડાપ્રધાન મોદી સાથે મુલાકાત થઈ ત્યારે મોદીએ તેમને કાશ્મીર મુદ્દે મધ્યસ્થી કરવાનું આમંત્રણ આપ્યું હતું. તિવારીએ કહ્યું હતું કે અમે માગણી કરીએ છીએ કે વડાપ્રધાન ગૃહમાં આવી આ વિશે સ્પષ્ટતા કરે અને જો બંને વચ્ચે આવી કોઈ વાત ન થઈ હોય તો મોદીએ નિવેદન આપવું જોઈએ કે અમેરિકાના પ્રમુખ ખોટું બોલી રહ્યા છે. વિદેશમંત્રી એસ.જયશંકરે રાજ્યસભામાં સ્પષ્ટતા કરી હતી કે અમેરિકન પ્રમુખને આવી કોઈ વિનંતી કરવામાં આવી નથી. તેમણે ડોનાલ્ડ ટ્રમ્પના દાવાને ફગાવતા કહ્યું હતું કે ભારત સતત આ વાત પર કાયમ છે કે પાકિસ્તાન સાથે ફકત દ્વિપક્ષીય મંત્રણા થશે. કોંગ્રેસની સાથે સાથે સી.પી.આઈ.(એમ)એ પણ ટ્રમ્પના આ નિવેદન મુદ્દે વડાપ્રધાન સામે વિરોધ નોંધાવ્યો હતો. તૃણમુલ નેતા ડેરેક ઓ’બ્રાયને પણ પૂરજોશમાં વિરોધ-પ્રદર્શન કરતા કહ્યું હતું કે વિપક્ષના નેતા ગુલામનબી આઝાદને સ્પષ્ટતા માંગવાની તક આપવામાં આવી નથી.