અહમદ પટેલ, રાજીવ સાતવ, અમિત ચાવડા, પરેશ ધાનાણી સહિતના આગેવાનો દેશની પ્રજાને સંબોધન કરશે

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૮
ભાજપ સરકારની ખેતી અને ખેડૂત વિરોધી નીતિઓને કારણે ધરતી પુત્રો ખુબ જ આર્થિક નુકસાન ભોગવી રહ્યા છે. શિક્ષણ દિનપ્રતિદિન મોંઘુ થતું જાય છે, મોંઘવારીએ માઝા મૂકી છે, મહિલાઓ પર અત્યાચારના બનાવોમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. બેરોજગારીની સમસ્યા વિકરાળ બની છે. આવી પ્રજાલક્ષી અનેક પ્રશ્નોને લઈ કોંગ્રેસ પક્ષ દ્વારા આવતીકાલે તા.૯ ઓકટોબરને શુક્રવારે બપોરે ૧ર કલાકે ગુજરાત જનઆક્રોશ રેલી વર્ચ્યુઅલ રેલી યોજવામાં આવી છે.
કોંગ્રેસ પક્ષ દ્વારા યોજાનારી ે ‘ગુજરાત જનઆક્રોશ રેલી’ : વર્ચ્યુઅલ રેલીમાં સમગ્ર રાજ્યના જીલ્લા – તાલુકા કક્ષાએથી મોટી સંખ્યામાં કાર્યકરો – નાગરિકો જોડાશે. આ રેલી’ ને કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો અહમદભાઈ પટેલ, રાજીવ સાતવજી, અમિતભાઈ ચાવડા, પરેશ ધાનાણી સહિતના મહાનુભાવો સંબોધન કરશે.
ે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, દેશ અને રાજ્યમાં ભાજપ સરકારની નીતિ – રીતિ અને નિયતને કારણે જે રીતે દિન-પ્રતિદિન સમાજના તમામ વર્ગના લોકોને અન્યાય થાય તમામ વર્ગના લોકો ઉપર અત્યાચાર વધે એ રીતે શાસન ચાલી રહ્યું છે. એના કારણે આખા દેશના લોકોમાં ખુબ મોટો આક્રોશ છે. ગુજરાતમાં ખેડૂતો ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિને કારણે પહેલેથી જ આર્થિક રીતે ખુબ મોટુ નુકસાન ભોગવી રહ્યાં છે. અતિવૃષ્ટિને આજે લગભગ દોઢ મહિના થયા છતા પણ એક પણ ખેડૂતના ખાતામાં એક પણ રૂપિયાનું વળતર ચુકવાયું નથી. ઉલટાનું ૫૦ ટકા ગુજરાતને આ સર્વેની કામગીરીમાં બાકાત કરી દેવામાં આવ્યા છે.કેન્દ્ર સરકારે ખેડૂત વિરોધી બનાવેલા આ કાળા કાયદાને પાછા ખેંચવા માટે આખા દેશના ખેડૂતો જે આંદોલન કરી રહ્યા છે, જે વિરોધ કરી રહ્યા છે. એજ વિરોધનો ભાગ ગુજરાતનો એક એક ખેડૂત પણ સામેલ છે અને એના માટે પણ પ્રજામાં ખુબ મોટો આક્રોશ છે. ભાજપ સરકાર હંમેશા ઉદ્યોગપતિઓની સરકાર રહી છે. ઉદ્યોગપતિઓની મદદ કરવાની હોય, ઉદ્યોગપતિઓના ટેક્ષ માફ કરવાના હોય એને લાભ આપવાનો હોય તો સરકારી તિજોરીઓ ખુલ્લી મુકવામાં આવે છે. અને બીજી બાજુ જ્યારે કોરોના – લોકડાઉનને કારણે લોકો આર્થિક સ્થિતિ ખુબ ખરાબ થઈ છે. લોકોની આવક પણ ઘટી છે, નોકરીઓ છીનવાઈ ગઈ છે, ધંધા વેપાર બંધ થયા છે, મંદીનો માહોલ છે. એવા સમયમાં વિદ્યાર્થીઓની ફી માફીની માંગ જ્યારે ગુજરાતના વાલીઓ કરતા હોય, પરિવારો કરતા હોય ત્યારે સરકાર તેમની વાત સાંભળવા તૈયાર નથી અને એક પછી એક ખાલી ખોટી જાહેરાતો કરી લોકોને લોલીપોપ આપી રહી છે. ગુજરાતમાં કાયદો – વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે. ગુંડા રાજ ચારે તરફ ચાલી રહ્યું છે. ગુંડાઓ બેફામ થયા છે, ખંડણીઓ માટે કાયદો – વ્યવસ્થાની ધજીયા ઉડાવે એ રીતના બનાવો રોજ સામે આવી રહ્યા છે. જામનગર, વડોદરા, સંતરામપુર, હળવદ, રાજકોટ કે અન્ય જગ્યા હોય દરેક જગ્યાએ મહિલાઓ ઉપર અત્યાચાર – બળાત્કારના બનાવો વધી રહ્યાં છે. લોકોને આજે પોતાની દિકરી – મહિલાઓની ચિંતા છે એના ભવિષ્યની ચિંતા છે. એની સુરક્ષાની ચિંતા છે. ત્યારે એ બાબતે પણ પ્રજામાં ખુબ મોટો આક્રોશ છે. એકતરફ મંદીનો માહોલ છે. જી.એસ.ટી. ના નામે એક એક નાના મોટા વેપારીઓને નોટીસો મોકલી છે. ‘જનઆક્રોશ રેલી’ ને કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો અહમદભાઈ પટેલ, ગુજરાત સંગઠનના પ્રભારી રાજીવ સાતવ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતા પરેશ ધાનાણી સહિત તમામ વરિષ્ઠ આગેવાનો વર્ચ્યુઅલ રેલીના માધ્યમથી ગુજરાત અને દેશના લોકોને સંબોધીત કરશે.