(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૫
પ્રજા વિરોધી નીતિ તેમજ આર્થિક મોરચે નિષ્ફળ ગયેલી કેન્દ્ર અને રાજ્ય સરકાર સામે મોરચો માંડતા સુરત શહેર કોંગ્રેસ દ્વારા જનવેદના આંદોલન અંતર્ગત ધરણાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં થાળી વગાડીને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો.
કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારને કારણે પ્રજા વિરોધી નીતિઓ અને સરેઆમ નિષ્ફળતાના પરિણામે હાલ દેશમાં સર્જાયેલી આર્થિક મંદી, બેરોજગારી, અતિવૃષ્ટી અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોની આર્થિક બરબાદી, પાક વીમો ન મળવો, કાયદો વ્યવસ્થા પડી ભાંગવી અને આવશ્યક ચીજ વસ્તુઓનો ભાવ વધારો, બેન્કિંગ વ્યવસ્થા પડી ભાંગવી, વાહનવ્યવહારના કાળા કાયદાથી પ્રજાજનની હાલાકી જેવા મુદ્દાને લઇને કોંગ્રેસ દ્વારા જનવેદના આંદોલનની શરૂઆત કરવામાં આવી છે. અઠવાલાઇન્સ સ્થિત એમટીબી કોલેજ ખાતે કોંગ્રેસ દ્વારા ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓ થાળી અને વેલણ વગાડીને વિરોધ નોંધાવ્યો હતો. ભાજપ સરકારની નિષ્ફળતાઓ સામે કોંગ્રેસે સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારબાદ રેલી કાઢીને કલેક્ટર કચેરી પહોંચી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. ખેડૂતોની હાલાકી, બેરોજગારી, આર્થિક મંદી અને મોંઘવારી સંદર્ભે રજૂઆત કરી યોગ્ય પગલાં લેવાની માંગ કરવામાં આવી છે.