પાટણ, તા.૮
નોટબંધીને એક વર્ષ પૂર્ણ થતાં આજે પાટણના બગવાડા દરવાજા ખાતે કોંગ્રેસના કાર્યકરો દ્વારા કાળો દિવસ મનાવી સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. આ સમયે પોલીસ દ્વારા પાટણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત ૧૦ જેટલા કાર્યકરોની અટકાયત કરતાં પોલીસ અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે ચકમક ઝરી હતી.
૮મી નવેમ્બર ર૦૧૬ની રાત્રિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા ભારતીય ચલણની રૂા.૧૦૦૦ અને પ૦૦ના દરની ચલણી નોટો રદ કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો. જેનાં પગલે સમગ્ર દેશ સહિત પાટણ જિલ્લામાં ભારે અફડાતફડી મચી ગઈ હતી. આજે આ દિવસને એક વર્ષ પૂૃણ થતાં કોંગ્રેસ દ્વારા તેને કાળો દિવસ મનાવવાનું જાહેર કરાયું હતું. જે અનુસંધાને પાટણ જિલ્લા કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા બગવાડા ચોક ખાતે કાળા વસ્ત્રોમાં સજ્જ થઈ માથા પર કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કર્યા હતા અને પ્રતિક ધરણાનો કાર્યક્રમ યોજી સરકાર વિરૂધ્ધ સૂત્રોચ્ચાર પોકાર્યા હતા. જેમાં નોટબંધીને ક્યા કિયા… દેશ કો બરબાદ કિયા… નરેન્દ્ર મોદી હાય…હાય…ના નારા લગાવ્યા હતા તો મહિલા કોંગ્રેસી કાર્યકરોએ સરકારના છાજિયા લઈ ભારે હલ્લાબોલ મચાવ્યો હતો. ત્યારબાદ બગવાડા ચોક ફરતે રેલી સ્વરૂપે પ્રદક્ષિણા કરી સરકારનો હુરિયો બોલાવ્યો હતો. કેટલાક કોંગ્રેસી કાર્યકરો આ કાળા દિવસને લઈ આવેશમાં આવી જતા પોલીસ દ્વારા દસથી વધુ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.
આ પ્રસંગે પાટણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અશ્વિન પટેલ, ભાવેશ ગોઠી, અલ્કેશ દેસાઈ, લાલેશ ઠક્કર, હુસેનમિંયા સૈયદ,અકુભાઈ શેખ, મહેન્દ્ર પટેલ, રણજીતભાઈ ઠાકોર, ઉસ્માનભાઈ શેખ, પૂર્વ પાલિકા પ્રમુખ જાગૃતિબેન પટેલ, મુમતાજબાનુ શેખ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.