(એજન્સી) બેંગ્લુરૂ, તા.ર૯
કર્ણાટકમાં સત્તાધારી કોંગ્રેસ પક્ષ દ્વારા સોમવારે આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ભાજપ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી મજલીસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમિન સાથે આવનાર વિધાનસભા ચૂંટણીમાં ગુપ્ત રીતે સમજૂતિ કરશે. કોંગ્રેસે લઘુમતીઓ વિરૂદ્ધના કેસો પાછા લઈ લેવા માટે બચાવની સ્થિતિમાં આવી ગઈ હતી. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પત્રકારોને કહ્યું હતું કે ભાજપે ભૂતકાળમાં મહારાષ્ટ્રમાં ઓવૈસી સાથે આવી સમજૂતિ કરી હતી. જો ભાગલાવાદી તત્ત્વો સાથે આવી જાય તો શું થઈ શકે છે તેની કલ્પના કરી શકાય. ભાજપના નેતા શોભા કરણદલાજેએ આ અહેવાલ નકારતા કહ્યું હતું કે એ.આઈ.એમ.આઈ.એમ જેવા દેશવિરોધી તત્ત્વો સાથે ગઠબંધન કરવા જેટલા નીચલા સ્તરે ક્યારેય ન પહોંચી શકે. કોંગ્રેસના નેતાઓ દ્વારા પાયાવિહોણા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ભાજપ રાષ્ટ્રીય હિત સાથે ક્યારેય સમાધાન ન કરી શકે. આવા આક્ષેપો કોંગ્રેસની હતાશા બતાવે છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા સરક્યુલરને લીધે છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસ બચવાની સ્થિતિમાં છે. સરકારે જાહેરનામું બહાર પાડીને ર૦૧૩થી ર૦૧૭ દરમિયાન લઘુમતીઓ વિરૂદ્ધ દાખલ કરાયેલા કેસો પાછા ખેંચવાનો આદેશ આપ્યો હતો. આ કારણે ભાજપ કોંગ્રેેસ ઉપર લઘુમતી તૃષ્ટિકરણનો આક્ષેપ કરી રહ્યું છે. કર્ણાટકના ગૃહપ્રધાન રામલિંગા રેડ્ડીએ જણાવ્યું હતું કે ગયા વર્ષે ભાજપે ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી દરમિયાન એ.આઈ.એમ.આઈ.એમ સાથે બિનસત્તાવાર સમજૂતિ કરી હતી. તેમણે કહ્યું હતું કે ભાજપના નેતાઓ એવી અફવાઓ ફેલાવી રહ્યા છે કે કોંગ્રેસ દેશવિરોધી તત્ત્વો સાથે સમજૂતિ ધરાવે છે. ભગવા પક્ષના નેતાઓને જુઠ્ઠાણા ફેલાવવાની આદત પડી ગઈ છે. રેડ્ડીએ કહ્યું હતું કે તેમને જાણકારી મળી હતી કે ભાજપના નેતાઓએ ઓવૈસી સાથે હૈદરાબાદમાં એક ગુપ્ત બેઠક કરી હતી. જેમાં મતોના વિભાજન વિશે ચર્ચા કરવામાં આવી હતી. ભાજપ સત્તા મેળવવા કશું પણ કરી શકે છે.