(એજન્સી) નવી દિલ્હી, તા.૨૧
મક્કા મસ્જિદમાં સ્વામી અસીમાનંદ નિર્દોષ સાબિત થયા બાદ, ભાજપ અધ્યક્ષ અમિત શાહે શનિવારે રાયબરેલી ખાતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. અમિત શાહે કહ્યું કે, ભાજપ પાર્ટી અને હિન્દુઓને “હિન્દૂ આંતક” નામે ખોટા દાવાઓ કરીને બદનામ કરી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે, કૉંગ્રેસે વોટબેંક મજબૂત કરવા માટે હિન્દુ સંલ્કૃતિને બદનામ કરવાનું કામ કર્યું છે. પ્રજાને પ્રશ્નના અંદાજમાં પૂછયું કે, કૉંગ્રેસને હિન્દુ આતંકવાદનું જુઠ્ઠાણું ફેલાવા માટે માફી માંગવી જોઇએ કે નહીં. તેમણે કહ્યું કે ચાર દિવસ થઇ ગયા, પરંતુ વોટબેન્કની રાજનીતિના લીધે તેઓ માફી પણ માંગી રહ્યાં નથી. અમિત શાહે યુપીના રાયબરેલીમાં પરિવારવાદના મુદ્દે કોંગ્રેસને ઘેરી હતી. તેમણે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના સંસદીય વિસ્તારમાં કહ્યું કે આઝાદી પછીથી રાયબરેલીએ ફક્ત પરિવારવાદ જોયો. ગાંધી પરિવારે અહીંયા કોઇ વિકાસ કર્યો નથી, પરંતુ પોતાના ખિસ્સા ભર્યા છે. અમિત શાહે આગળ કહ્યું કે, “રાયબરેલીની જનતાને કોંગ્રેસના મોટા નેતાઓએ વોટ આપ્યા. અહીંયા દૂર-દૂર સુધી વિકાસ દેખાતો નથી. અમે આ વિસ્તારને આદર્શ સંસદીય વિસ્તાર બનાવીશું. રાયબરેલીથી કોંગ્રેસ પરિવારવાદ હટાવીને રહીશું.” શાહે સોનિયા ગાંધીના સંસદીય વિસ્તારમાં કહ્યું કે અમે રાયબરેલીને પરિવારવાદમાંથી મુકત કરીશું. આ અભિયાન આજથી જ અમે શરૂ કરવાના છીએ. તેમણે કહ્યું કે યુપીમાં કૉંગ્રેસનો સતત દાયકાઓ સુધી શાસન રહ્યું અને પછી સપા અને બસપાએ રાજ કર્યું, પંરતુ દેશના અગ્રણી રાજયોમાંથી એક આ ઉત્તર પ્રદેશ સતત પછાત રહ્યું. શાહે કહ્યું કે રાયબરેલી સહિત યુપીના તમામ ગામ એવા હતા જ્યાં અંધારામાં જીત થતી, પરંતુ ૨૦૧૪મા પીએમ મોદીની સરકાર આવ્યા બાદ સૌને વીજળી આપવાનું શરૂ કર્યું. ત્યારબાદ ૨૦૧૭મા રાજ્યની મહાન પ્રજાએ એક વધુ જવાબદારી અમને સોંપી અને અમને સેવાની તક મળી. અમિત શાહે કહ્યું યોગીની સરકાર ઉત્તર પ્રદેશના વિકાસ માટે સતત કામ કરી રહી છે. થોડીક વાર પહેલાં જ શૉર્ટ સર્કિટ થયું હતું. તમામ મીડિયા ચેનલોએ ધુમાડો દેખાડ્યો હતો. જયારે કંઇક સારું થવાનું હોય તો કેટલાંક વિઘ્ન આવતા હોય છે. આ પ્રતીક છે રાયબરેલીમાં કંઇક મોટું થવાનું છે.