(એજન્સી) તા.ર૭
ભાજપના નેતાઓને નુકસાન પહોંચાડવા માટે વિપક્ષ ‘મારક શક્તિનો’ ઉપયોગ કરી રહ્યો છે તેવી ટિપ્પણી કરવા બદલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભાજપ સાંસદ પ્રજ્ઞાસિંહ ઠાકુરની નિંદા કરી હતી. સાથે સાથે તેમણે ભાજપને સલાહ આપી હતી કે આવી વ્યક્તિને રાજકારણમાં લાવવા બદલ તે આત્મચિંતન કરે. સિંધિયાએ કહ્યું હતું કે, એક જવાબદાર પદ પર બેઠેલી વ્યક્તિ પાસેથી આવી ટિપ્પણી સાંભળીને તે હતાશ થયા છે. તેમણે સોમવારે રાત્રે પત્રકારોને કહ્યું હતું કે, આવી વ્યક્તિને ચૂંટણી લડવાની તક આપવા બદલ ભાજપે આત્મચિંતન કરવું જોઈએ કારણ કે, ભારતીય રાજકારણના માપદંડો જાળવવા એ ખૂબ જ મહત્ત્વનું અને મુશ્કેલ કાર્ય છે. સિંધિયાએ કહ્યું હતું કે, રાજકારણમાં કેટલાક ચોક્કસ માપદંડો હોય છે. જો રાજકીય ક્ષેત્રનો કે પછી કોઈ બહારનો વ્યક્તિ આ માપદંડોના સ્તરને ઘટાડવાનો પ્રયાસ કરે તો તેની ટીકા થવી જોઈએ.