(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.રપ
કોરોના વાયરસની મહામારી સામે લડવા કોંગ્રેસ પક્ષના ૬૮ ધારાસભ્યો સરકારનો હાથ મજબૂત કરવા જરૂરી સાધનો, મેડિકલ કીટ અને સંશાધનો માટે તાત્કાલિક રૂા. દસ-દસ લાખ પ્રજા માટે ફાળવવા કલેક્ટરને પત્ર દ્વારા જાણ કરી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા અને ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું છે કે કોંગ્રેસ પક્ષના તમામ ૬૮ ધારાસભ્યો પોતાના વિસ્તારમાં કોરોના વાયરસની મહામારી વિરૂદ્ધની લડાઈમાં એ થઈ કામ કરે અને કોરોનાને પરાસ્ત કરવા સરકારનો હાથ મજબૂત બનાવે. આથી દરેક ધારાસભ્યોએ તાત્કાલિક રૂા.દસ-દસ લાખ રૂપિયા જનતા માટે ફાળવી તંત્રને ઝડપથી વ્યવસ્થા અને કાર્યવાહી કરવા અનુરોધ કર્યો છે. જનતા માટે કામગીરી કરવા કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તાત્કાલિક જિલ્લા કલેક્ટરને વ્યવસ્થા કરવા ખાસ વિનંતી કરવામાં આવી છે.