(સંવાદદાતા દ્વારા)
સુરેન્દ્રનગર, તા.૯
સુરેન્દ્રનગર જિલ્લાના પરપ્રાંતિય શ્રમિકોને તેમના વતન પરત ફરવા સરકાર દ્વારા ભાડુ વસૂલવામાં આવતું હોવાની ફરિયાદ બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષાના આદેશ મુજબ પાટડીના ધારાસભ્ય નવસાદ સોલંકી મામલતદારને પરપ્રાંતિયોના ભાડા પેટે ચેક આપવા ગયા તો તેમણે ચેક સ્વીકારવાની સાફ ના પાડી દેતા રાજકારણ ગરમાયું છે. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના ધારાસભ્ય નવસાદ સોલંકી દ્વારા જિલ્લા મામલતદાર કચેરી ખાતે મામલતદારને ૭ લાખ ૮૦ હજારનો ચેક આપવા ગયા હતા કે જે પરપ્રાંતિયો પાસેથી પૈસા વસૂલ કરવામાં આવ્યા છે, તે લોકોને સાડા છસો લેખે પૈસા પરત આપવામાં આવે તે બાબતે મામલતદારને સાત લાખ ૮૦ હજારનો ચેક આપવામાં આવ્યો હતો, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં મામલતદાર કચેરી ખાતે આવેલ મામલતદાર આ ચેક સ્વીકારવાની ના પાડતા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. નવસાદ સોલંકી દ્વારા આ બાબતે ખુલ્લો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, સરકાર પરપ્રાંતિયો પાસેથી પૈસા વસૂલીને વતનમાં મોકલી રહી છે, ત્યારે કોંગ્રેસ આ બાબતે આ પરપ્રાંતિયોને તેમના વતન પહોંચાડવાનો ખર્ચ ઊઠાવી રહી છે, પરંતુ વહીવટીતંત્ર આ બાબતે નાણાં લેવા માટે અને આ પરપ્રાંતિયોને પહોંચાડવાનું ભાડુ લેવા માટે તૈયાર નથી, ત્યારે શું પરપ્રાંતિઓ પાસેથી સરકાર ભાડું વસૂલવા માંગે છે, ત્યારે સીએમ અને પીએમ ફંડમાં આપેલ કરોડો રૂપિયા જમા થયા છે, તેમ છતાં પણ સરકાર મજૂરો પાસેથી અને પરપ્રાંતિયો પાસેથી પોતાના વતને જવાનાઓ વસૂલી રહી છે, ત્યારે આ બાબતે અનેક જાતના જિલ્લામાં સવાલો ઊભા થયા છે. નૌશાદ સોલંકી સહિતના કૉંગી કાર્યકરો જિલ્લા કલેક્ટર કચેરી બહાર બેસી ગયા હતા, અને હાલ તેમની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.