(સંવાદદાતા દ્વારા) તા.૨૦
પરપ્રાંતિયોને વતન મોકલવા માટે ટ્રેનની ટિકિટના રૂપિયા આપવાનું કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીએ જાહેરાત કર્યા બાદ દેશભરમાં કોંગ્રેસની પ્રદેશ કમિટિએ શહેર અને જિલ્લાના પ્રમુખ સાથે સંકલનમાં રહીને પરપ્રાંતિયો માટે ટિકિટની વ્યવસ્થા ગોઠવી હતી. શરૂઆતી તબક્કામાં સુરત શહેર કોંગેસે તમામ પરપ્રાંતિયોને ન્યાય આપવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ એક ટ્રેન રવાના થયા બાદ કોંગ્રેસના સૂર બદલાયા હતા.
રેલ હેલ્પલાઈન માટે જારી કરાયેલા ૯૯૯૮૩૩૧૨૧૧ નંબર કોઈ રિસિવ કરવા વાળું રહ્યું ન હતું. આ સિવાય બમરોલી અને તેની આસપાસના વિસ્તાર પર વધુ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. કોંગ્રેસના અધ્યક્ષ બાબુ રાયકાએ રેલ ટિકિટ અંગેની કામગીરી સંતાનો અને ભત્રીજાઓ સુધી સિમિત કરી દેતાં મોટાભાગના કોંગ્રેસી કાર્યકર્તાઓ નારાજ થયા હતા.
આ સિવાય મુસ્લિમ પરપ્રાંતિયો સાથે સાવકો વ્યવહાર કરવામાં આવતાં જ મુસ્લિમ અગ્રણીઓમાં વિરોધી સૂર ઉઠી રહ્યા છે. ગઈકાલે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તેમજ વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી સમક્ષ નારાજગી વ્યક્ત કરવામાં આવ્યા બાદ બાબુ રાયકાને કડક શબ્દોમાં સૂચના પણ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. લિંબાયત વિસ્તારમાં સામાજિક અગ્રણી હાશિમ સિદ્દીકીએ પણ કોંગ્રેસની કામગીરી સામે રોષ વ્યક્ત કરતાં મુસ્લિમો સાથે ન્યાય કરવા માગણી કરી હતી.
કોમ્પ્યુટર ઓપરેટેડ ફોર્મ જ સ્વીકારવામાં આવતા હોવાની વાતો કરીને પરપ્રાંતિયો સાથે અન્યાય કરવામાં આવ્યો હતો. એક ધાર્મિક સંસ્થાના ૫૦ બાળકોને વતન મોકલવા કોંગ્રેસનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે કોમ્પ્યુટરમાં ફોર્મ ભરીને લાવવા જણાવવામાં આવ્યું. ગમે તેમ કરીને વિન્ડોઝ વર્ડ ફાઈલમાં ડેટા ભર્યા બાદ કોંગ્રેસે નકારી કાઢતા વિન્ડો એક્સેલમાં ફરીથી ફોર્મ ભરવાની સૂચના આપી હતી. જેને કારણે ધાર્મિક સંસ્થાના બાળકો અટવાઈ પડ્યા હતા.