(એજન્સી) નવી દિલ્હી, તા.૪
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યું છે કે, તેઓએ જે પદ પરથી રાજીનામું આપ્યું છે તે પદ પુનઃ નહીં સંભાળે તેમ રાહુલ ગાંધીના નજીકના સૂત્રોએ એક ટીવી ચેનલને જણાવ્યું હતું. જ્યારે એવી અટકળો હતી કે રાહુલ ગાંધી પુનઃ કોંગ્રેસનું પ્રમુખ પદ સંભાળશે. તેવા સમયે આ ખબર આવી હતી. જો કે, કોંગ્રેસ નેતૃત્વ એપ્રિલ માસમાં પાર્ટીના પૂર્ણ અધિવેશનમાં આ મુદ્દે અંતિમ નિર્ણય લેશે. સૂત્રોએ રાહુલ ગાંધીના હવાલેથી કહ્યું કે, મેં નેતૃત્વના મુદ્દે મારો નિર્ણય સ્પષ્ટ કરી દીધો છે. આ મુદ્દે પત્ર લખી સ્પષ્ટતા કરાઈ છે. હાલના સમયમાં કોંગ્રેસ પ્રમુખ તરીકે પાછા ફરવાનો કોઈ સવાલ નથી. જ્યારે એવું પૂછાયું કે, પક્ષ રાહુલ ગાંધી કોંગ્રેસ પ્રમુખ પદ સંભાળવાનું દબાણ કરે તો ? ત્યારે સૂત્રોએ કહ્યું કે આ નિર્ણય સોનિયા ગાંધીએ કરવાનો છે. સોનિયા ગાંધી ર૦ વર્ષ સુધી કોંગ્રેસની કમાન સંભાળી ચૂકયા છે. ર૦૧૯માં કોંગ્રેસની મોટી હાર બાદ સોનિયા ગાંધી પુનઃ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ બન્યા હતા. સોનિયા ગાંધીના ખરાબ સ્વાસ્થ્યના કારણે પાર્ટીને એક સક્રિય અધ્યક્ષની જરૂર છે. મધ્યપ્રદેશમાં કોંગ્રેસની કમલનાથ સરકાર સંકટમાં છે. દિગ્વિજયસિંગે આરોપ મૂકયો છે કે ભાજપ કોંગ્રેસના સભ્યોને રપ-૩૦ કરોડ રૂપિયાની લાલચ આપી ખરીદવાની કોશિશ કરે છે.