વિધાનસભાની પેટા ચૂંટણીમાં પરાજય બાદ રાજીનામું આપનાર
જોકે સિનિયર આગેવાનના જણાવ્યા મુજબ હાલ ગુજરાતમાં નેતાગીરી બદલવાની કોઈ શક્યતા નથી
(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૧૬
તાજેતરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીમાં કોંગ્રેસનો પરાજય થતાં નૈતિક જવાબદારી સ્વીકારીને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામું ધરી દીધું હતું. જોકે હજી સુધી રાજીનામું સ્વીકાર્યું નથી એ પહેલા તો નવા પ્રમુખ અને વિરોધ પક્ષના નેતાના નામોની ચર્ચા શરૂ થઈ ગઈ છે. જો કે સૂત્રોના જણાવ્યા અનુસાર હજી રાષ્ટ્રીય સ્તરે જ અધ્યક્ષનો મુદ્દો લટકતો છે ત્યારે ગુજરાતમાં હાલ નેતાગીરી બદલવાની કોઈ શક્યતા નથી. વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસનાં સફાયા બાદ આવતા બે મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે તે પૂર્વે પ્રદેશ નેતાગીરીમાં ધરખમ ફેરફારો થવાની ચર્ચાએ જોર પકડયું છે. ચાલુ માસના અંત સુધીમાં જ પ્રદેશ પ્રમુખ તથા વિપક્ષી નેતા બદલાવવામાં આવે તેવી ચર્ચા વહેતી કરી દેવાઈ છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીત સાતવે પ્રદેશ નેતાઓનાં રાજીનામાં વિશે હાઈકમાન્ડ નિર્ણય લેશે તેવા વિધાન કરતાં સમગ્ર અટકળોને નવી હવા મળી ગઈ છે. સ્થાનિક સ્વરાજયની ચૂંટણી આગામી ફેબ્રુઆરીમાં યોજાવાની શકયતા છે અને તેની તૈયારીના ભાગરૂપે પ્રદેશ કોંગ્રેસ નેતાગીરી દ્વારા છેલ્લા કેટલાક દિવસથી કવાયત કરવામાં આવી રહી હતી. ગુજરાત કોંગ્રેસનાં પ્રભારી રાજીવ સાતવે ગુજરાતમાં જ મુકામ કર્યો હતો. બે ડઝનથી વધુ શહેર જિલ્લા સંગઠનનાં હોદેદારોને તેડાવ્યા હતા અને કોર્પોરેશન-પંચાયત ચૂંટણી માટે સ્થાનિક સ્તરે કરાયેલી કામગીરીની સમીક્ષા કરવા ઉપરાંત જરૂરી સૂચનો કર્યા હતા. પ્રભારી રાજીવ સાતવ દિલ્હી પરત ફર્યા છે. તે પૂર્વે તેઓએ એવું સુચક વિધાન કર્યું હતું કે, પ્રદેશ નેતાઓનાં રાજીનામાનો સ્વીકાર કરવો કે કેમ તે વિશેનો નિર્ણય દિલ્હી હાઈકમાન્ડ કરશે. આ વિધાનને કેટલાક લાળટપકું નેતાઓએ નેતાગીરી બદલવાની શક્યતા હોવાનું દર્શાવી વાત વહેતી કરી હતી. કોંગ્રેસનાં ટોપ લેવલના સુત્રોએ એમ કહ્યું છે કે કોર્પોરેશન-પંચાયતોની ચૂંટણી માથે છે. તેવા સમયે પ્રદેશ નેતાગીરીમાં બદલાવની શકયતા ઓછી છે. કોંગ્રેસના એક સિનિયર આગેવાને એમ કહ્યું કે ગુજરાતમાં પ્રદેશ નેતાગીરી ફેરવવાનું નકકી થઈ જ ગયુ હતું. પરંતુ અહેમદ પટેલના નિધનની દુઃખદ ઘટનાથી પ્રક્રિયાને બ્રેક લાગી ગઈ છે. ઉપરાંત રાષ્ટ્રીય લેવલે પણ અધ્યક્ષનો પ્રશ્ન હજી ઉકેલાયો નથી ત્યારે ગુજરાતમાં નેતાગીરી બદલવાની શક્યતા નહીંવત્ છે. પ્રદેશ કોંગ્રેસ નેતાગીરીમાં ફેરફારની અટકળો વચ્ચે નવા સંભવીત દાવેદારોનાં નામોની પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. પ્રદેશ પ્રમુખ તરીકે અર્જુન મોઢવાડીયા, જગદીશ ઠાકોર, તુષાર ચૌધરી અને કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલનું નામ પણ રેસમાં હોવાની ચર્ચા છે. તેવી જ રીતે વિપક્ષી નેતાપદ માટે પૂંજા વંશ અને વીરજી ઠુમ્મરના નામોની ચર્ચા શરૂ થઈ છે. પૂજા વંશ ખૂબ જ સિનિયર અભ્યાસુ અને સંસદીય બાબતોના જાણકાર હોવાથી તેમની શક્યતા વધારે દેખાઈ રહી છે.
Recent Comments