(એજન્સી) તા.૧૭
દિલ્હીની મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જનારા વરિષ્ટ નેતા અરવિંદરસિંહ લવલીની ‘ઘરવાપસી’ થઈ છે તે ૯ મહિનાના સમયગાળામાં જ ભાજપ છોડીને ફરીથી કોંગ્રેસમાં ચાલી ગયા છે. દિલ્હી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અરવિંદરસિંહ લવલી ૧૭ ફેબ્રુઆરી શનિવારના દિવસે ફરીથી કોંગ્રેસમાં દાખલ થયા હતા.
લવલી શીલા દીક્ષિત સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. એમણે શનિવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. આ પહેલાં તેમણે દિલ્હી કોંગ્રેસ પ્રમુખ અજય માકન જોડે પણ મુલાકાત કરી હતી. લવલીએ કહ્યું હતું કે, તે ભાજપમાં વૈચારિક રીતે ગોઠવાઈ શકતા ન હતા. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ છોડીને જવું એક દુઃખભર્યો નિર્ણય હતો જે એક નબળી ક્ષણમાં લેવાયો હતો. અમારી વચ્ચે સંવાદનો અભાવ હતો. પરંતુ મેં જ્યારે અજય માકનને વાત કરી ત્યારે અમે બધી સમસ્યાઓ હલ કરી દીધી. લવલીના કોંગ્રેસમાં પાછા ફરવા નિમિતે આયોજિત કરવામાં આવેલી પત્રકાર પરિષદમાં લવલીએ કહ્યું હતું કે હું વિચારસરણીની દ્રષ્ટિએ ભાજપમાં ગોઠવાઈ શકતો ન હતો અને આ સમજવામાં મને ઘણો લાંબો સમય લાગ્યો નહીં. ત્યાર પછી મેં મારી જાતને કહ્યું કે મારે મારા પૈતૃક પક્ષ માટે જે થઈ શકે તે કરવું જોઈએ. દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ અજય માકને લવલીએ પક્ષમાં આપેલા યોગદાનને બિરદાવીને કહ્યું કે ‘‘તેમના પક્ષમાં પાછા ફરવાથી પક્ષ મજબૂત બનશે. મને આશા છે કે, દિલ્હીના લોકો અમને એક તક આપશે.’’ અરવિંદર લવલી ૩૦ વર્ષ સુધી કોંગ્રેસમાં રહ્યા હતા. તેમણે દિલ્હી વિધાનસભાની ચાર વખત ચૂંટણી લડી હતી અને દરેકમાં વિજયી બન્યા હતા. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતે પણ લવલીના પક્ષમાં પાછા ફરવા વિશે આનંદ વ્યક્ત કર્યો હતો.