પત્રમાં હસ્તાક્ષર કરનારા આનંદ શર્મા, કપિલ સિબ્બલ, મનિષ તિવારી અને શશી થરૂર ગુલામનબી આઝાદના નિવાસે મળ્યા

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૫
કોંગ્રેસ વર્કિંગ કમિટીની કલાકો ચાલેલી બેઠકમાં આકરા પ્રહારોનો જવાબ આપતા ગુલામનબી આઝાદ, આનંદ શર્મા, મુકુલ વાસનિક અને જીતીન પ્રસાદે જોરદાર તર્ક આપ્યો છે. સોમવારે થયેલી બેઠકમાં તેમણે જણાવ્યું હતું કે, તેમના દ્વારા ઉઠાવાયેલા મુદ્દાઓ પર ચર્ચા અને નિવારણની જરૂર કેમ છે. ચારેય નેતા કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય છે અને એવા ૨૩ કોંગ્રેસી નેતાઓમાં સામેલ છે જેમણે સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો. અહેવાલો અનુસાર બેઠકના તરત બાદ પત્રમાં હસ્તાક્ષર કરનારાઓમાં આનંદ શર્મા, કપિલ સિબ્બલ, મનિષ તિવારી અને શશી થરૂર સહિત ઓછામાં ઓછા નવ નેતા ગુલામનબી આઝાદના નિવાસે મળ્યા હતા. આનંદ શર્માએ સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે, પત્રમાં સહ-હસ્તાક્ષર કરનારા બેઠકમાં થયેલા વિચાર-વિમર્શ મુદ્દે જાણવાના ઇચ્છૂક હતા અને દરેક કોઇ તેનાથી સંતુષ્ટ છે. વર્કિંગ કમિટીમાં સ્પષ્ટ અને સ્વતંત્ર રીતે ચર્ચા થઇ હતી. પત્ર તમામ સીડબલ્યૂસી સભ્યોને મળ્યો ન હતો. અનેક અશુદ્ધીઓ અને ખોટી વ્યાખ્યાઓ કરાઇ હતી જેના કારણે અમારી વિરદ્ધ કેટલીક અભદ્ર ટિપ્પણીઓ કરાઇ હતી. મેં માગણી કરી છે કે, પત્રને તમામ માટે જાહેર કરવામાં આવે અને જનતા માટે પણ જારી કરાય જેથી લોકોને ખબર પડે કે મુદ્દા શું છે.
વીડિયો કોન્ફરન્સ દ્વારા સીડબલ્યૂસી બેઠકને ટાંકતા આનંદ શર્માએ કહ્યું કે, આઝાદ, વાસનિક અને મેં અમારા વિચારો મુક્યા હતા. કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષનો નિષ્કર્ષ એકદમ શાલીન હતો. તેમણે સુલેહનો એકદમ સ્પષ્ટ સંદેશ આપતા કહ્યું કે, જે કાંઇ થયું તેને પાછળ છોડી દો અને એકજૂટ થઇને આગળ વધો. સોનિયા ગાંધીએ કહ્યું કે, પત્રનો કેટલોક ભાગ લીક થયો હોવાથી દુઃખી છું પણ આ મારા માટે મૂલ્યવાન સહયોગીઓ છે. અમે સોનિયા ગાંધીનું સન્માન કરીએ છીએ અને તેમના નિવેદને અમને એકદમ સૌહાર્દપૂર્ણ સ્થિતિમાં લાવી દીધા છે. પત્રમાં હસ્તાક્ષર કરનારા એક નેતાએ કહ્યું કે, અમારા રાહ જોવી પડશે અને ચકાસવું પડશે કે આ બધું કેવી રીતે સમાપ્ત થાય છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં હસ્તાક્ષર કરનારાઓએ સ્પષ્ટતા કરી હતી કે, તેઓ સોનિયા અથવા રાહુલ ગાંધી વિરૂદ્ધ નથી. એવું કહેવાય છે કે, પાંચ પાનાના પત્રમાં બંને નેતાઓ વિરૂદ્ધ કાંઇ લખાયું નથી.