(એજન્સી) નવી દિલ્હી, તા.૧૯
કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ નિમણૂક કર્યા પછીથી પ્રિયંકા ગાંધી લોકસભા ચૂંટણીમાં પાર્ટીની જીત અંગે ઘણા ગંભીર થઈ ગયા છે. ખાસ કરીને મિશન યુપીને તેઓ પોતાની માટે સૌથી મોટો પડકાર માનીને ચાલી રહ્યા છે. આ જ કારણ છે કે, લખનૌથી ચૂંટણી તૈયારીઓની શરૂઆત કરનારા પ્રિયંકા ગાંધી ઉત્તરપ્રદેશના જુદા જુદા વિસ્તારોના રાજકીય વાતાવરણને જીણવટતાથી જોઈ રહ્યા છે. તેની અસર પણ દેખાવા લાગી છે. પત્રિકા પર છપાયેલા સમાચાર મુજબ તેમણે પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે, પાર્ટી વિરોધી ગતિવિધિઓમાં સામેલ નેતાઓને બહારનો માર્ગ બતાવવામાં આવશે. પાર્ટીના નેતા સંપૂર્ણ પ્રતિબદ્ધતાની સાથે પાર્ટી હિતમાં કામ કરે નહીંતર કાર્યવાહી સહન કરવા માટે તૈયાર રહે. જાણકારી મુજબ કોંગ્રેસનો વોરરૂમ કહેવાતા ૧પ ગુરૂદ્વારા રકાબગંજ રોડ પર સવા કલાકની બેઠકમાં પ્રિયંકાએ બુંદેલખંડ વિસ્તારમાં પાર્ટીના કામકાજની સમીક્ષા કરી. બેઠકોમાં હાજર એક નેતાએ જણાવ્યું કે, પ્રિયંકા ગાંધીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, બુથ સ્થર પર કોંગ્રેસને મજબૂત કરવું પડશે. એક માત્ર મારી પાસે તમે લોકો ચમત્કારની આશા રાખશો નહીં. પાર્ટીની જીત માટે તમારે લોકોએ સંગઠિત થઈને કામ કરવું પડશે. મારો પૂરો સહયોગ કરવો પડશે. સાથે જ મેડમે આ પણ સ્પષ્ટ કરી દીધુ છે કે, જે નેતા પાર્ટી વિરોધી ગતિવિધિઓમાં સામેલ જણાશે, તેમને બહારનો રસ્તો બતાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે, પાર્ટીના મહાસચિવ બનાવ્યા પછીથી પ્રિયંકા ગાંધી સતત પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓની સાથે ચૂંટણી જીત અંગે ચર્ચામાં જોડાયા છે. લખનૌમાં પણ કોંગ્રેસ કાર્યકર્તાઓની સાથે તેમની બેઠક ૧૩ કલાક ચાલી હતી. જયપુરથી પરત ફર્યા પછી તેમણે યુપીના આઠ લોકસભા ક્ષેત્રોમાંથી આવેલા પાર્ટી કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી. તેમાં અમેઠી અને રાયબરેલીના નેતા પણ સામેલ હતા. પાર્ટી કાર્યકર્તાઓને પ્રિયંકાએ જણાવ્યું કે, સંગઠનમાં મોટા પાયા પર પરિવર્તનની જરૂરત છે. તેમણે જણાવ્યું કે, હું સંગઠન વિશે શીખી રહી છું. તમારા લોકોની સલાહ સાંભળી રહી છું. અમારો ફોકસ ચૂંટણી જીત મેળવવા પર છે અને તમારા લોકોએ તેમાં મને સહયોગ આપવો પડશે.