(એજન્સી) તા.૩
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામાન્ય ચૂંટણીઓમાં ભાજપ તરફી વાતાવરણ ઉભુ કરવા માટે સમગ્ર દેશમાં ૧૦૦ રેલીઓ કરવાના છે જેના કારણે આગામી કેટલાક અઠવાડિયાઓ સુધી તે ખૂબ જ વ્યસ્ત રહેશે. તેમણે કોંગ્રેસ શાસિત રાજય પંજાબના ગુરૂદાસપુરમાં ગુરૂવારે તેમની પ્રથમ રેલી સંબોધી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. આ રેલી પછી તે મહત્વની પાર્ટી મિટિંગમાં હાજરી આપવા માટે દિલ્હી પરત ફર્યા હતા. વડાપ્રધાનની આ ૧૦૦ રેલીઓ ર૦ રાજયોમાં યોજાશે, જેમાંથી મોટા ભાગના રાજયોમાં ભાજપની સરકાર નથી. શુક્રવારે તે મણીપુરમાં રેલી યોજશે જયાં મણિપુર નેશનલ ફ્રન્ટનો વિજય થયો હતો. પ જાન્યુઆરીના દિવસે તે ભાજપ શાસિત ઝારખંડ અને નવીન પટનાયક શાસિત ઓરિસ્સામાં રેલીને સંબોધન કરશે. જયારે રર જાન્યુઆરીના દિવસે તે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં રેલી યોજશે. ગુરૂવારે સાંજે મળનારી ભાજપની બેઠકમાં વડાપ્રધાન મોદીની સાથે પક્ષપ્રમુખ અમિત શાહ પણ હાજર રહેશે. આ બેઠકમાં છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશની વિધાનસભા ચૂંટણીઓના પરિણામો પર ચર્ચા થશે.