પાલનપુર, તા.૯
કોરોના મહામારી વચ્ચે કોંગ્રેસ શાસિત બનાસકાંઠા જિલ્લા પંચાયતના ઇતિહાસમાં પ્રથમવાર વિડીયો કોન્ફરન્સથી સાધારણ યોજાઈ હતી. જેમાં શિક્ષણ સહિતના મુદ્દાઓને લઇને જરૂરી ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ પીનાબેન ધાડીયાની અધ્યક્ષતામાં અને ડીડીઓ અજયકુમાર દહીંયાની ઉપસ્થતિમાં આ સાધારણ સભામાં આરોગ્ય શિક્ષણ સહિતના મુદ્દાઓને લઇને જરૂરી ચર્ચા કરવામાં આવી હતી. આ અંગે જિલ્લા પંચાયત પ્રમુખ પિનાબેન ધાડિયાએ જણાવ્યું હતું કે, સૌ પ્રથમ વાર આજે વીડિયો કોન્ફરન્સથી સાધારણ સભા યોજવામાં આવી હતી. જેમાં હાલમાં વધતા જતા કોરોના પોઝિટિવ કેસોને લઇને ખાસ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં લોકોને સારી સુવિધા સાથે સારી સારવાર મળી રહે તે માટેની ચર્ચા કરવામાં આવી હતી. આરોગ્ય તંત્રની બેજવાબદારીથી કોઈનું મોત ન નીપજે તેની તકેદારી રાખવા પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું. ઓનલાઇન સભામાં અશ્વિનભાઈ સક્સેના દ્વારા તાલુકાના વિકાસના કામો માટે ધારદાર રજૂઆત કરાઇ હતી. અને તેમણે ઓન લાઇન સભામાં રજૂઆત કરતા તાલુકાના ગામોમાં પ્લોટોની તાત્કાલિક હરાજી શરૂ કરવામાં આવે, તાલુકાના ૧૭ ગામોમાં ગામ તળ નથી તેવા ગામોમાં ગામ તળ મંજૂર કરવામાં આવે અને જ્યારે તાલુકાના ૯૩ જેટલા ગામો ગામ તળ છે અને વિવિધ ગામોમાં ૧૧૦૮ લોટ પડયા છે ત્યારે તાલુકાની વિવિધ ગામોમાં ૫૬૩ કુટુંબોએ પ્લોટ માટેની માગણી કરી છે. તાલુકા પંચાયતમાં દર મહિને લેન્ડ કમિટી બેસાડવામાં આવે, સમાજ કલ્યાણમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આવાસ યોજનામાં છેલ્લા ત્રણ વરસમાં ૯૮૭ આવાસ મંજૂર થયા છે જે લોકોને મનરેગા યોજના હેઠળ તાલુકામાંથી બિનકુશળ ૯૦ દિવસની મજૂરી મળવી જોઈએ તથા શૌચાલય નાણાં મનરેગા યોજનામાં મળવા જોઈએ, જિલ્લા પંચાયતમાં આઉટસોર્સમાં આવેલી જગ્યા ઉપરનો કર્મચારીઓને પૂર્ણ પગાર મળવો જોઈએ, જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા વિવિધ કર્મચારીઓને બઢતી મળવી જોઈએ અને કોરોના વાયરસમાં જે અધિકારીઓએ નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવી છે તેમનું સરકાર દ્વારા સન્માનપત્ર આપી સન્માનિત કરવા જોઈએ જેવા વિવિધ મુદ્દાઓ ઓનલાઇન સાધારણ સભામાં જિલ્લા પંચાયત સદસ્ય અશ્વિનભાઈ સક્સેના દ્વારા કરવામાં આવી હતી.