ખેડૂત આંદોલનની સામે બચાવમાં ભાજપ સરકારે શરૂ કરેલ જાગૃતિ સંમેલનને સંબોધતા મુખ્યમંત્રીના પ્રહારો
(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર,તા.૧૮
કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષો પોતાના સ્વાર્થ માટે કરોડો ખેડૂતોના વિકાસના આડે આવી રહ્યા હોવાનું જણાવી આકરા પ્રહારો કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ખેડૂતોના નામે પોતાના રોટલા શેકતા તત્વોને પ્રજા જાણી ગઈ છે. બધેથી જાકારો મેળવનાર કોંગ્રેસ ખેડૂત આંદોલનના નામે પ્રજાની નજરમાં ટકી રહેવાના પ્રયાસો કરી રહી છે. દેશમાં ચાલી રહેલ ખેડૂતોના આંદોલન સામે ભાજપ સરકાર દ્વારા બચાવમાં શરૂ કરાયેલ જાગૃતિ સંમેલનો પૈકી ચીખલી તાલુકાના સુરમાઈ ખાતેના સંમેલનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે કોંગ્રેસ સહિતના વિપક્ષોને આડે હાથ લીધા હતા. ખેડૂતના નામે મગરના આંસુ સારતા કોંગ્રેસને વેધક સવાલ કરતા મુખ્યમંત્રીએ ખેડૂતોના કલ્યાણ માટે એ.પી.એમ.સી. એક્ટમાં સુધારો કરવાની વાત કરી હતી કે કેમ તેવો ધારદાર પ્રશ્ન પૂછીને આવા તત્વો ખેડૂતોના હિતમાં છે કે વિરોધમાં તેવો પ્રશ્ન કર્યો હતો.
કૃષિ સુધાર બીલ-૨૦૨૦ સામે ફેલાવાતા ભ્રામક પ્રચારનો ખ્યાલ આપીને ખેડૂતોના નામે મોદી વિરોધી પરિબળો પોતાના અસ્તિત્વ માટે તફડી રહ્યા છે, ત્યારે પ્રજાજનોમા પણ કોન્ગ્રેસીઓ અને ભારતવિરોધી તત્વો “ભારત બંધ”ના વિષયે હાંસીપાત્ર બન્યા છે તેમણે જણાવ્યું હતું.
કોંગ્રેસના સાશનકાળમા વીજળી અને પાણીના કોઈ ઠેકાણા ન હતા તેમ જણાવી મુખ્યમંત્રીએ વધુમાં કોંગ્રેસ માત્ર વિરોધ કરીને પ્રજાજનોને ગુમરાહ કરી રહ્યું તેવા આક્ષેપો કરતાં કહ્યું કે, કૃષિ સુધાર બીલ-૨૦૨૦ માં સુધારા કરવા માટે ખેડૂતોને ખુલ્લું આમંત્રણ પણ અપાયું છે, ત્યારે માત્ર અને માત્ર ખેડૂતોના નામે પોતાનો રાજકીય રોટલો શેકતા તત્વોને ઓળખી લેવાનો આ સમય છે.
“કોરોના” સામેનો જંગ આખરી અને નિર્ણાયક તબક્કે છે ત્યારે સૌ ધીરજ અને સંયમ જાળવી રાખે તે આવશ્યક છે તેમ જણાવતા મુખ્યમંત્રીએ ૯ માસથી કોરોનાનો સામનો કરી રહેલ પ્રજા-પ્રશાસન અને સૌના સહિયારા પ્રયાસોના પરિણામે આપણે કોરોના સામે મહદઅંશે સફળ રહ્યા હોવાનું જણાવ્યું હતું.
Recent Comments