(એજન્સી) નવી દિલ્હી, તા.૧
કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરુરે પોતાની જ કોંગ્રેસ પાર્ટીને ચેતવણી આપતા કહ્યુ છે કે, કોંગ્રેસ ભાજપનુ જ વર્ઝન બનવાનુ જોખમ ઉઠાવી શકે તેવી સ્થિતિમાં નથી. નહીંતર પાર્ટી સાવ ઝીરો થઈ જશે.
તેમણે કહ્યુ છે કે, કોંગ્રેસ ભાજપની જે વિચારધારા છે તેને રજૂ કરી રહી છે તેવુ માનવુ યોગ્ય નથી.કોંગ્રેસની અંદર ભારતીય ધર્મનિરપેક્ષતા એટલે કે બિનસાંપ્રદાયિકતાની ભાવના હજી જીવંત છે.હું લાંબા સમયથી કહી રહ્યો છુ કે,પેપ્સી લાઈટની જેમ કોંગ્રેસને ભાજપ લાઈટ બનાવવાનું પરિણામ કોક ઝીરોની જેમ કોંગ્રેસ ઝીરોમાં આવશે.કોંગ્રેસ કોઈ પણ રીતે ભાજપની જેમ નથી અને આપણે ભાજપનુ નબળુ અનુકરણ કરવાની કોશિશ પણ કરવી જોઈએ નહીં.કોંગ્રેસ એવુ કરી પણ રહી નથી.
થરૂરે કહ્યું હતું કે, ભારતમાં બિનસાંપ્રદાયિકતા ખતરામાં છે તથા ભાજપની હાલની સરકાર આ શબ્દને જ સંવિધાનમાંથી હટાવવાનો પ્રયાસ કરી શકે છે.જોકે નફરત ફેલાનારી શક્તિઓ ભારતના ધર્મનિરપેક્ષ ચરિત્રને બદલી નહીં શકે.
થરુરે પોતાની નવી બૂક રિલિઝ કરી છે.જે નિમિત્તે ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યૂમાં થરુરે કહ્યુ હતુ કે, હાલની સરકાર સંવિધાનમાંથી બિનસાંપ્રદાયિક શબ્દને હટાવી પણ દેશે તો પણ સંવિધાન તો વાસ્તવિકતામાં ધર્મ નિરપેક્ષ જ બની રહેશે.કોંગ્રેસ પાર્ટીમાં એક વાત સ્પષ્ટ છે કે, કોંગ્રેસને ભાજપનુ બીજુ વર્ઝન બનવા નહીં દેવાય,કોંગ્રેસ હિન્દુવાદ અને હિન્દુત્વમાં અંતર કરે છે.હિન્દુવાદ સમાવેશી છે અને હિન્દુત્વ રાજકીય સિધ્ધાંત છે.રાહુલ ગાંધીએ સ્પષ્ટ કરી દીધુ છે કે, મંદિર જવુ એ તેમનું અંગત હિન્દુત્વ છે. કોંગ્રેસ નરમ કે કટ્ટર હિન્દુત્વનું સમર્થન કરતી નથી.