(એજન્સી)
કોલકાતા, તા. ૧૯
ભાજપને માઓવાદીઓ કરતાં પણ વધુ ખતરનાક ગણાવતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ મંગળવારે આરોપ લગાવ્યો હતો કે, ભગવા પાર્ટી ચૂંટણીઓ પહેલાં લોકોને ખોટા વાયદાઓ કરે છે. આગામી એપ્રિલ-મેમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓમાં જોરદાર પડકારનો સામનો કરી રહેલી તૃણમુલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનરજીએ ભારપૂર્વક કહ્યું હતું કે, રાજનીતિ ગૌરવપૂર્ણ વિચારધારા અને ફિલસૂફી છે અને કોઇપણ કપડાંની જેમ દરરોજ વિચારધારા બદલી ના શકે. એક વખતના ડાબેરી પક્ષોના ગઢ ગણાતા પુરૂલિયા જિલ્લામાં એકસભાને સંબોધિત કરતાં મમતા બેનરજીએ જણાવ્યું કે, ભાજપ માઓવાદીઓ કરતાં પણ ખતરનાક છે. જે લોકો ભાજપમાં સામેલ થવા માગતા હોય તે જતાં રહે પરંતુ અમે ક્યારેય ભગવા પાર્ટી સમક્ષ અમારૂં માથું ઝુકાવીશું નહીં. કેટલાક તૃણમુલ કોંગ્રેસના નેતાઓ ભાજપમાં સામેલ થવા માટે પાર્ટી છોડીને જતાં રહ્યા છે. મમતાએ દાવો કર્યો હતો કે, ભાજપ જંગલમહલ વિસ્તારના આદિવાસી લોકોને ગોરમાર્ગે દોરે છે. આ વિસ્તાર પુરૂલિયામાં આવેલો છે. તેમણે કહ્યું કે, ખોટા વાયદાઓ કરીને લોકસભા ચૂંટણીઓ જીત્યા બાદ ભાજપના નેતાઓ ક્યારેય અહીંની મુલાકાતે આવ્યા નથી. ઉલ્લેખનીય છે કે, ગત લોકસભા ચૂંટણીઓમાં ભાજપે પુરૂલિયામાં આવનારી તમામ લોકસભા બેઠકો પર જીત મેળવી હતી.