(એજન્સી) તા.૯
લદ્દાખના ભાજપના સંસદસભ્ય જમ્યાંગ ત્સેરીંગ નામગ્યાલની પોલીસ ફરિયાદના આધારે લેહ સ્થિત લોકપ્રિય દૈનિક સ્ટેટ ટાઇમના તંત્રી ત્સેવાંગ રિગ્ઝીનની ૫, સપ્ટે.ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તેમને એ જ દિવસે સાંજે જામીન પણ આપી દેવામાં આવ્યાં હતાં.
લદ્દાખમાં ૬, મે ૨૦૧૯ના રોજ યોજાયેલ સંસદીય ચૂંટણી પૂર્વે મતદાનના માત્ર એક દિવસ પૂર્વે લોકસભા ચૂંટણીના પરિણામોને પ્રભાવિત કરવા માટે એક પત્રકાર પરિષદ ખાતે પત્રકારોને કહેવાતી લાંચ આપવા બદલ જમ્મુ અને કાશ્મીરના તત્કાલીન ભાજપના નેતા વિક્રમસિંહ રંધાવા સામે એફઆઇઆર દાખલ કરવામાં નામગ્યાલ લેહ પ્રેસ ક્લબના મહામંત્રી તરીકે તેમની મુખ્ય ભૂમિકા હતી. પાછળથી નામગ્યાલનો લદ્દાખની સંસદીય ચૂંટણીમાં વિજય થયો હતો.
રીગ્ઝીન લોકપ્રિય ફેસબુક પેજ લદ્દાખ ઇન મીડિયા ચલાવે છે કે જેના ૩૪૦૦૦ સભ્યો છે. ૩, સપ્ટે.ના રોજ પોલીસ જેમને હજુ શોધી શકી નથી એવા એક સભ્યએ ભાજપના સાંસદ પર ટિપ્પણી કરી હતી. પોલીસે ત્યાર બાદ ૫, સપ્ટે.ના રોજ રીગ્ઝીન સોશિયલ મીડિયા પ્લેટફોર્મના એડમીન હોવાના નાતે તેમની ધરપકડ કરી હતી. જો કે આ ધરપકડ આઇપીસીની કલમ ૧૮૮ હેઠળ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે કે જેમાં જાહેર સેવકનો અનાદર કરવાનો અપરાધ બને છે.
જો કે રીગ્ઝીનને હજુ ફરિયાદની નકલ મળી નથી અને તેમણે ધ વાયરને જણાવ્યું હતું કે તેમની સામે આ કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે કે કેમ તે અંગે હજુ તેમને ખાતરી નથી. રીગ્ઝીને જણાવ્યું હતું કે નામગ્યાલ સીધા પોલીસમાં જઇને આ મામલાને મુદ્દો બનાવવાના બદલે મને બોલાવી શક્યાં હોત. મેં જ્યારે આ કોમેન્ટ જોઇ ત્યારે મને પણ વાંધાજનક જણાઇ હતી. મેં તેને તત્કાળ હટાવી દીધી હોત.
આ કોમેન્ટમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સપ્તાહ માટે નામગ્યાલ પોતાના પરિવારમાંથી પણ કોઇને પણ વેચી મારવાની હદે જઇ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી નામગ્યાલે નરેન્દ્ર મોદી સરકારના અનુચ્છેદ ૩૭૦ નાબૂદ કરવાના અને લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાના નિર્ણયના સમર્થનમાં સંસદમાં લાગણીસભર પ્રવચન આપ્યાં બાદ તેઓ રાષ્ટ્રીય મીડિયામાં પ્રસિદ્ધ થયાં હતાં. દરમિયાન ઇન્ડિયન જર્નાલિસ્ટ યુનિયને એક નિવેદનમાં લદ્દાખ જર્નાલિસ્ટ યુનિયનના મહામંત્રી રીગ્ઝીનની ધરપકડને વખોડી કાઢી છે.
રીગ્ઝીન વિરુદ્ધ ગેરકાયદે અને આપખુદી કાર્યવાહી કરી હોવાનું જણાવીને નિવેદનમાં ઉમેર્યુ હતું કે ૨૦૧૬માં એક ચુકાદામાં દિલ્હી હાઇકોર્ટે સ્પષ્ટ કર્યુ હતું કે સોશિયલ મીડિયા ગ્રુપના એડમીનને તેના કોઇ સભ્ય દ્વારા કરવામાં આવેલ પોસ્ટ દ્વારા જવાબદાર ગણી શકાય નહીં. જો કે લેહ સ્થિત દૈનિક અખબાર સ્ટેટ ટાઇમ્સના તંત્રી રીગ્ઝીનને એ જ દિવસે જામીન મળી ગયાં હોવા છતાં તેમનું માનવું છે કે ઉપરથી સૂચનાના આધારે પોલીસે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરી હોવી જોઇએ.