(એજન્સી) તા.૧૪
ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં ઉત્તર-પૂર્વ દિલ્હીમાં થયેલા રમખાણોમાં કથિત ભૂમિકાના આરોપો હેઠળ પોલીસે રવિવારે મોડી રાત્રે જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી (જેએનયુ)ના પૂર્વ વિદ્યાર્થી નેતા ઉમર ખાલિદની ધરપકડ કરી લીધી હતી.
દિલ્હી રમખાણો મામલે દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે બે સપ્ટેમ્બરે અમુક કલાકો સુધી ઉમરની પૂછપરછ પણ કરી હતી. ખાલિદની યુએપીએ એક્ટ હેઠળ ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે દાવો કર્યો હતો કે નાગરિકતા સુધારા કાયદા અને એનઆરસી વિરૂદ્ધ દેખાવોમાં સામેલ ઉમર ખાલિદ તથા અન્યોએ દિલ્હી રમખાણોનું કાવતરૂં ઘડ્યું, જેથી દુનિયામાં મોદી સરકારની છબિને બગાડી શકાય. આ દરમિયાન માનવાધિકાર કાર્યકરો, શિક્ષણવિદો, વકીલોના એક સમૂહ દ્વારા એક પ્રેસ રિલીઝ જાહેર કરવામાં આવી હતી અને તેમાં પાયાવિહોણાં આરોપો લગાવીને ઉમર ખાલિદની ધરપકડ કરવા બદલ દિલ્હી પોલીસની આકરી ઝાટકણી કાઢવામાં આવી હતી અને ખાલિદને દેશના બંધારણીય મૂલ્યોની સુરક્ષા કરનાર યુવા અવાજ ગણાવાયો હતો.
તેમણે આગળ કહ્યું કે બંધારણીય મૂલ્યો પ્રત્યે સમર્પિત નાગરિક તરીકે અમે ઉમર ખાલિદની ધરપકડની ટીકા કરીએ છીએ. શાંતિપૂર્ણ એન્ટી સીએએ દેખાવકારોને નિશાન બનાવવા માટે પોલીસ તેની દુર્ભાવનાપૂર્ણ તપાસના માધ્યમથી ખાલિદને ફસાવી રહી છે. પ્રેસ રિલીઝ અનુસાર આ અત્યંત દુઃખ સાથે અમને એ કહેવામાં જરાય શંકા નથી કે આ તપાસ રાષ્ટ્રીય રાજધાનીમાં ફેબ્રુઆરી ૨૦૨૦માં થયેલી હિંસા વિશે નથી. પણ ગેરબંધારણીય સીએએ વિરૂદ્ધ દેશભરમાં શાંતિપૂર્ણ રીતે થયેલા લોકતાંત્રિક વિરોધ પ્રદર્શનો પર આધારિત છે.
ઉમર ખાલિદને સમગ્ર દેશમાં બંધારણની તરફેણમાં બોલનારા સેંકડો અવાજો પૈકી એક મનાય છે. તેના વિશે માનવાધિકાર કાર્યકરો, શિક્ષણવિદો તથા વકીલોનો સમૂહ કહે છે કે તે બંધારણ અને લોકતંત્રના પક્ષમાં બોલનારા યુવા ભારતીયોનો એક મજબૂત તથા શક્તિશાળી અવાજ તરીકે ઉભર્યો છે.
આ નિવેદન માટે હસ્તાક્ષર કરનારાઓમાં પીપુલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટિઝના વકીલ રવિ કિરણ જૈન અને વી.સુરેશ, વકીલ મિહિર દેસાઈ તથા એન.ડી.પંચોલી, શિક્ષણવિદ સતીશ દેશપાંડે, મેરી જોન, અપૂર્વાનંદ, નંદિની સુંદર અને શુદ્ધબ્રતા સેનગુપ્તા તથા માનવાધિકાર કાર્યકર આકાર પટેલ, હર્ષ મંદર, ફરાહ નકવી તથા બિરાટ પટનાયક સહિત અનેક હસ્તીઓ સામેલ છે.