વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અચાનક લેહ પહોંચવાથી સૌ કોઈ ચોંકી ઉઠ્યું છે. ચીનને પણ આ પ્રવાસથી સખ્ત સંદેશ મળી ગયો છે, ત્યારે હવે ચીન વિદેશ મંત્રાલય તરફથી પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં ચીને કહ્યું છે કે, કોઈ પણ પક્ષ એવું કંઈના કરે, કે જેથી માહોલ ખરાબ થાય.
ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને જણાવ્યું કે, ભારત અને ચીન સતત સૈન્ય અને ડિપ્લોમેટિક વાતચીત દ્વારા બોર્ડર પર ચાલી રહેલા તનાવને ઓછો કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. એવામાં કઈ પણ પાર્ટીએ એવું ના કરવું જોઈએ, જેનાથી સરહદ પર તનાવ વધી જાય. ચીનની આ પ્રતિક્રિયા એવા સમયે સામે આવી છે, જ્યારે પૂર્વ લદ્દાખમાં ચીન સાથે સરહદ પર ચાલી રહેલા તનાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરક્ષાની સમીક્ષા કરવા માટે શુક્રવારે સવારે અચાનક લેહ-લદ્દાખની મુલાકાત લીધી. વડાપ્રધાન મોદીનો આ પ્રવાસ ભારત-ચીન સૈનિકો વચ્ચેની હિંસક અથડામણના ૧૮ દિવસ બાદ કરવામાં આવ્યો છે.
વડાપ્રધાન મોદી સવારે દરિયાની સપાટીથી ૧૧ હજાર ફૂટની ઊંચાઈ પર આવેલા એક દુર્ગમ વિસ્તારની નીમૂ પોસ્ટ પર પહોંચ્યા હતા. અહીં સેના, એરફોર્સ અને ITBPના જવાનો દ્વારા વર્તમાન સ્થિતિની જાણકારી આપવામાં આવી.
આ દરમિયાન ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણે પણ હાજર રહ્યાં હતા. જે બાદ વડાપ્રધાન ગલવાન ઘાટીમાં સર્જાયેલી હિંસક અથડામણમાં ઘાયલ થયેલા જવાનોના ખબરઅંતર પૂછવા માટે હોસ્પિટલની મુલાકાત લીધી હતી. વાસ્તવમાં વડાપ્રધાન મોદીના આ ઓચિંતા પ્રવાસથી ચીન સહિત સમગ્ર વિશ્વને સખ્ત સંદેશ મળ્યો છે. ડિફેન્સ એક્સપર્ટનું માનીએ તો, વડાપ્રધાન મોદીએ લેહ જઈને મોટુ પગલુ ભર્યું છે. તેમણે ચીનને સંદેશ આપી દીધો છે કે, અમે પીછેહટ કરવાના નથી.