(એજન્સી) તા.૧૧
બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએને ઝળહળતા વિજય મળ્યા બાદ રાજ્યના ડેપ્યુટી સીએમ સુશીલ મોદી પહેલીવાર મીડિયાની સામે આવ્યા છે. એનડીએની જીત માટે તેમણે બિહારની જનતાનો આભાર માન્ય સાથે જ આરજેડી પર જનતાને વિશ્વાસ નથી તેમ કહ્યું. તેમણે આગળ કહ્યું કે, આરજેડી ગમે તેટલા ઢાંકપિછોડો કરે, પરંતુ બિહારની જનતા તેમના શાસનકાળને ક્યારે નહીં ભૂલે. ચૂંટણી ટાણે જ તેમના પરિવારના લોકો દરમાંથી બહાર આવી ગયા. નીતિશ ફરીથી રાજ્યના મુખ્યપ્રધાન બનશે એવા સવાલ પર સુશીલ મોદીએ જણાવ્યું કે, સીએમ ફરીથી નીતિશકુમાર જ બનશે, તેમના નામ પર સંશય નથી. અમે પહેલાં જ જાહેરાત કરી હતી કે, નીતિશકુમારની ફરી તાજપોશી થશે. તેમના નામ પર જ અમે ચૂંટણી લડીશું. આ જીતમાં જીતનરામ માંઝી અને મુકેશ સહનીની પણ એટલી જ મોટી ભૂમિકા રહી છે જેટલી બીજેપી અને જેડીયુની છે. ચૂંટણીમાં બળવાખોર ધારાસભ્યો વિશે સુશીલ મોદી કહ્યું કે, એલજેપીએ તેમને ટિકિટ ન આપી હોત તો તેઓ બીજા કોઈ પક્ષની ટિકિટ પર લડ્યા હોત. દરેક ચૂંટણીમાં આવા લોકો તૈયાર થઈ જાય છે. બીજેપી અને જેડીયુમાં કોઈ મુંઝવણ નથી. બિહારના લોકોએ વિકાસના કામને લઈને મત આપ્યા છે. જનતા નોકરીની ખોટી લાલચમાં આવી નહીં. માલે અને ઓવૈસીને બિહારમાં આરજેડીએ ફરી જીવિત કરી નાખ્યા છે. અમારા પંદર વર્ષના કાર્યકાળમાં બિહારમાં એકપણ નરસંહાર નથી થયો. ૨૦૦૫થી પહેલાના દિવસો યાદ કરી લોકો આજે પણ કાંપી ઊઠે છે. નીતિશકુમાર સરકાર ચલાવામાં સહજ અનુભવ કરશે તેના પર તેમણે કહ્યું કે, નીતિશકુમાર પર અમારી પાર્ટીનો કોઈ દબાવ નથી. તેઓ પહેલાની જેમ જ સરકાર ચલાવશે. ઉલ્લેખનીય છે કે, ભાજપની અંદરથી પણ તે અવાજ ઊઠી રહ્યો છે કે, સીએમ અમારી પાર્ટીમાંથી કોઈ હોય. કેન્દ્રીય રાજ્યમંત્રી અશ્વિની ચૌબેએ પણ આ વાતને સંકેત આપ્યા છે. બીજી તરફ ભાજપને કેટલાય નેતાઓ આ જીતને શ્રેય મોદીને આપી રહ્યા છે. પરીણામ બાદ એનડીએ નેતાઓએ સીએમ નીતિશકુમાર સાથે મુલાકાત પણ કરી હતી.