નવી દિલ્હી, તા.૨૯
વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલર શેલ્ડન કોટરેલે ભારતીય પ્રાદેશિક સેનામાં લેફ્ટિનેન્ટ કર્નલની ભૂમિકા માટે એમએસ ધોનીની પ્રશંસા કરતા ભારતના પૂર્વ વિશ્વ કપ વિજેતા કેપ્ટનને સાચો દેશભક્ત ગણાવ્યો છે.
કોટરેલે ઘણા ટ્‌વીટ કર્યાં અને ધોની સાથે જોડાયેલો એક વીડિયો શેર કરતા આ અનુભવી વિકેટકીપરની પ્રશંસા કરી હતી. આ વીડિયો ૨૦૧૮નો છે જ્યારે ધોનીને દેશના ત્રીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યો હતો.
કોટરેલે ટ્‌વીટ કહ્યું, ‘આ વ્યક્તિ (ધોની) ક્રિકેટના મેદાન પર પ્રેરણા છે. પરંતુ સાથે તે દેશભક્ત પણ છે અને એક એવો વ્યક્તિ જે પોતાના દેશ માટે સમર્પિત છે. છેલ્લા કેટલાક સપ્તાહથી સાથીઓની સાથે જમૈકામાં મારા ઘરમાં છું અને આ દરમિયાન વસ્તુ વિશે વિચારવાનો સમય મળ્યો.’
તેણે લખ્યું, ‘મેં મિત્રો અને પરિવારની સાથે આ વીડિયોને શેર કર્યો કારણ કે તેને ખ્યાલ છે કે હું સન્માનને લઈને કેવો અનુભવ કરૂ છું. પરંતુ પત્ની અને પતિ વચ્ચેની ક્ષણ ખરેખર દેશ અને જોડીદારના પ્રત્યે પ્રેરણાદાયી પ્રેમ દર્શાવે છે.’