કોડીનાર,તા.ર૮
કોડીનાર તાલુકાના અરણેજ ગામે વાડીમાંથી નવજાત તાજું જન્મેલ બાળકનો મૃતદેહ મળતા નાના એવા ગામમાં ભારે ચકચાર મચવા સાથે પોતાનું પાપ છુપાવવા માટે આવું અધમ કૃત્ય કરી માસુમ બાળકનું મોત નિપજાવનાર મહિલા ઉપર ફીટકારની લાગણી ફેલાઈ છે. આ ચકચારી ઘટનાની વિગત મુજબ કોડીનાર તાલુકાના અરણેજ ગામે ડાયાભાઈ માલભાઈ સોલંકીના ખેતરની તેમના ભાઈ ભગવાનભાઈ આટો મારવા જતા ખેતરની વચ્ચેના ભાગે કંઈક ભરેલું પ્લાસ્ટિક બાચકું પડેલ હોય ભગવાનભાઈએ બાચકું ઉચકતા તેમાંથી પ્લાસ્ટિકની થેલી ઝબલામાંથી તાજું જન્મેલ બાળકનો મૃતદેહ નજરે પડતાં ભગવાનભાઈએ આ અંગે કોડીનાર પોલીસને જાણ કરતા પોલીસે અરણેજ ગામે વાડીએ દોડી જઈ નવજાત શિશુના મૃતદેહનો કબ્જો લઈ પી.એમ. માટે કોડીનાર સરકારી દવાખાને ખસેડી બાળકના ડીએનએ સેમ્પલ લઈ તેની અંતિમવિધિ કરવા માટે હરિઓમ સેવા ટ્રસ્ટના રમેશભાઈ બજાજ અને જે.કે.મેરને જણાવતા તેઓએ નવજાત બાળકની અંતિમવિધિ કરી હતી. કોડીનાર પોલીસમાં આ અંગે ભગવાનભાઈ માલભાઈ સોલંકીએ તેમની વાડીમાં કોઈ અજાણી મહિલા પોતાનું પાપ છુપાવવા માટે થઈને તાજું જન્મેલ બાળકને ત્યજી દેતા બાળકનું મૃત્યુ થયું હોય આ અજાણી મહિલા સામે ફરિયાદ નોંધાવતા કોડીનાર પોલીસના પી.એસ.આઈ. કે.વી.પરમારે વધુ તપાસ હાથ ધરી છે.