કોડીનાર, તા.૨
કોડીનાર પંથકમાં અતિવૃષ્ટિથી ખેડૂતોના ખેતર ધોવાઈ ગયા છે અને આવા ધોવાઈ ગયેલા ખેતરવાળા ખેડૂતો માંડ-માંડ બેઠા થવાના પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે નગડલા ગામના એક ખેડૂતના બેંક એકાઉન્ટમાંથી કોઈ ગઠિયો તેનું ખાતું ધોઈ ગયાની ઘટના પ્રકાશમાં આવી છે. ધોવાઈ ગયેલી ખેતીને સરખી કરવા આ ખેડૂત બેંકમાં પૈસા લેવા જતા તેના ખાતામાં પૈસા નથી. એવું બેંક કર્મચારીએ જણાવતા તેના ઉપર આભ ફાટ્યું હતું. કોડીનારના નગડલા ગામના રવિભાઈ મેયાભાઈ સોંદરવાનું ઘાંટવડ ગામની એસબીઆઈમાં સેવિંગ ખાતું છે. આ ખાતામાં છેલ્લે તેમણે ર/પ/૧૮ના રોજ રૂા.૩૦૦ ઉપાડ્યા હતા ત્યારે ૧૩,૩૦૦નું બેલેન્સ હતું. ત્યારપછી રવિભાઈએ એક પણ વખત લેવડ-દેવડ ન કરવા છતાં તેના ખાતામાં રૂા.૯૫૩ની રકમ હોવાનું માલૂમ પડતા બેંકના મેનેજરને પૂછપરછ કરતા બેંકમાંથી ફ્લિપકાર્ડ પેમેન્ટ થયાનું જણાઈ આવેલ આમ ખેતીપાક નિષ્ફળ જતા નવું બિયારણ ખરીદવા પૈસા ઊપાડવા આવેલ ખેડૂતના ખાતામાંથી બારોબાર રકમ ઉપડી જવા અંગે પોલીસમાં ફરિયાદ કરી છે.