(સંવાદદાતા દ્વારા)
કોડિનાર, તા.૧૮
કોડિનાર તાલુકામાં શિંગોડા ડેમમાંથી કાંપ કાઢવાના મુદ્દે ઘણાં સમયથી ગંદુ રાજકારણ ચાલી રહ્યું છે. ડેમમાંથી ૪ર વર્ષે પ્રથમ વખત કાંપ કાઢવાની મંજૂરી મળતાં કોડિનાર સહિત અન્ય ત્રણ તાલુકાનાં ૧પ૦ જેટલા ગામોને આનો લાભ મળવાનો હોવા છતા અમુક લોકહિત કામગીરીના વિરોધીઓ કહેવાતા પ્રકૃતિ પ્રેમીઓએ વન્ય પ્રાણીઓના ભોગે કોડિનારના સ્થાનિક નેતાનું કદ વધારવા રૂપાણી સરકાર દ્વારા શિંગોડા ડેમમાંથી કાંપ કાઢવાની મંજૂરી અપાઈ હોવાના વાહીયાત અને જનહિત વિરોધી આક્ષેપો કરી કાંપ કાઢવાનું બંધ કરાવવા રજૂઆતો કરતાં કોડિનાર ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરી જણાવ્યું હતું કે ગીરમાં આવેલ શિંગોડા ડેમ કાંપ મુદ્દે પ્રકૃતિ પ્રેમી પોતાનો પક્ષ રાખે તે તેમનો અધિકાર છે. પરંતુ તાલુકાની પાણીની જરૂરિયાતો અને વાસ્તવીક અને જમીની હકીકત મુજબ શિંગોડા ડેમની સાઈડ જંગલના કિનાર તરફ આવેલી છે ત્યાં કાંપ કાઢવાથી વન્ય પ્રાણીઓને મધ્યજંગલમાં અવરજવરનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો ન હોય વન્ય પ્રાણીઓને નુકસાન થવાનો કોઈ પ્રશ્ન જ નથી. તેમજ ડેમોના નિર્માણ કે કાંપ કાઢવાના વખતે જેસીબી તેમજ આધુનિક મશીનરીનો ઉપયોગ દેશ અને દુનિયામાં થઈ રહ્યો છે અને તેનાથી વન્ય પ્રાણીઓને નુકસાન થાય તેવી પ્રકૃત્તિ પ્રેમીઓની રજૂઆત પાયાવિહોણી છે. તેમજ આ ડેમમાંથી કાંપ કાઢવાની ખૂબ જ લાંબા સમયથી આ વિસ્તાના જનપ્રતિનિધિઓ સંસ્થાઓ માંગણી કરી રહ્યા હતા. કાંપ કાઢવાની મંજૂરી મળી હોવા છતાં પણ વનતંત્ર દ્વારા રોજના માત્ર ૧૦૦ ટ્રેકટર જ કાંપની માટી કાઢ્યા બાદ પ્રતિબંધ કરવામાં આવેલ છે જેના કારણે હાસ્યાસ્પદ સ્થિતિ ઊભી થઈ છે. કેમ કે હાલ શિંગોડા ડેમની ૧૯ મીટરની સપાટીમાંથી ૭ મીટર જેટલો કાંપ ભરેલો હોય માત્ર ૧૦૦ ટ્રેકટર રોજનો કાંપ કાઢવાનું આ અભિયાન સતત ૧ વર્ષ સુધી ચલાવવામાં આવે તો પણ પુરો થઈ શકે તેમ ન હોય ચોમાસાની સિઝન પહેલાં કાપ કાઢવા માટે ટ્રેકટરોની મર્યાદા વધારવા ગંભીરપણે વિચાર કરવાનું જણાવી અમુક લોકો સ્વાર્થ ખાતર પ્રજાના અવાજને વાચા આપવાના બદલે વ્યક્તિ કે એનજીઓને વાચા આપી રહ્યા હોય જે દુખદ હોવાનું જણાવી આ માનવ કલ્યાણના કામમાં તમામ વિધ્નોને દૂર કરી પુરી દૃઢતા સાથે ડેમમાંથી પુરેપુરો કાંપ કાઢવાની જરૂરી વ્યવસ્થા કરવા અને ચોમાસાને માત્ર ૩૦થી ૪૦ દિવસ જ બાકી હોય કાંપ ઝડપથી કાઢવા આદેશ કરવા માંગ કરી શિંગોડા ડેમમાંથી કાઢવામાં આવતો કાંપ વન વિભાગના નિયમ મુજબ જ થતું હોય અને આ કામગીરીની વન્યપ્રાણીઓ સહિત ૧પ૦ જેટલા ગામોને ફાયદો થતો હોય આ કામગીરી ઝડપથી પુરી કરવા ઉગ્ર માગણી કરી છે.