કરોડોના રાહત પેકેજનું આશ્વાસન ઝાંઝવાના જળ સમાન
(સંવાદદાતા દ્વારા) કોડીનાર, તા.૩૦
કોડીનાર તાલુકાના છેવાડે દરિયાકાંઠા ઉપર આવેલ કોટડા અને માઢવાડ બંદર ઉપર જેટી બનાવવાનો પ્રશ્ન વર્ષોથી અદ્ધરતાલ છે. કોટડા અને માઢવાડના બંદરની મળીને અંદાજે પ૦૦ જેટલી બોટો જેટીના અભાવે ઓખા અને જખૌ બંદરે માછીમારી કરવા જાય છે જ્યાં દરિયામાં જવા આવવા અને ફિશિંગ માટે વપરાતા ડીઝલ અને કેરોસીનના વધતા ભાવો અને માછીમારોને મળતી સબસિડી કોઈ કારણોસર નહીં મળવાને કારણે તેમજ ફિશિંગ કરીને લાવેલા માલનો પૂરતો ભાવ નહીં મળવાને કારણે માછીમારોને નુકસાની કરવાનો વખત આવ્યો છે. ત્યારે મોટા ભાગના માછીમારોએ માછીમારીની સિઝન હોવા છતાં તેમની બોટો દરિયાકાંઠે લાંગરી દીધી છે. કોટડા બંદર વિસ્તારના માછીમાર ભાઈઓએ સરકારી મદદની રાહ જોવા વિના અપના હાથ જગન્નાથ માનીને પોતાના ફાળામાથી બંદર કાંઠા ઉપર પાંચ-સાત બોટ લાંગરી શકાય તેવી નાની ગોદી બનાવીને ઓખા જખૌ સુધી કેરોસીન-ડીઝલ બાળવું ન પડે અને ઉત્પાદન ખર્ચમાં કરકસર કરવા પ્રયાસ કર્યો છે. પરંતુ ઉત્પાદન ખર્ચમાં કરકસર કરીને લાવેલ કિંમતી માછીના ખૂબ જ ઓછા ભાવ મળતા. માછીમારીનો ખર્ચ પણ ન નીકળતો હોઈ વધુને વધુ બેકારીના ખપ્પરમાં હોમાઈ ગયા છે. સરકાર દ્વારા ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારના બંદરોના અને માછીમારોના વિકાસ માટે કરોડો રૂા.ના રાહત પેકેજના આશ્વાસન ઝાંઝવાના જળ સમાન બની રહ્યા છે. ત્યારે કોડીનારના કોટડા અને માઢવાડ બંદરના માછીમારોના પડતર પ્રશ્નો ઉકેલવા સરકાર દ્વારા યોગ્ય પગલા લેવાય તેવી માગણી ઊઠી છે.
Recent Comments