(સંવાદદાતા દ્વારા) કોડીનાર,તા.૩
કોડીનારમાં ગત વર્ષે માર્કેટિંગ યાર્ડમાંથી ખેડૂતોની મગફળીની ખરીદી કરી ખેડૂતોને ઘુમ્બો મારી બિલની રકમ ન ચુકવી ફરાર થઈ જવાની ઘટનામાં કોડીનારના ખેડૂતોને રાજ્યપાલને પત્ર પાઠવી ઈચ્છા મૃત્યુની માગ કરી છે.
આ અંગેની વિગત મુજબ કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં ધ્રુવીલ એન્ટરપ્રાઈઝના નામે અનાજનું ખરીદ વેચાણ કરતા લખુભાઈ રતનઘાયરા આજથી ૯ માસ પહેલાં ૧૪ જેટલા ખેડૂતોના રૂા.૧૧ લાખ ઉપરાંતની કઠોળ-મગફળી ખરીદી ખેડૂતોના રૂપિયા લઈ ફરાર થઈ ગયો હતો. હમણાં થોડા દિવસો પહેલાં ગીર સોમનાથ જિલ્લા LCB ટીમે લખુભાઈને સાવરકુંડલાના વંડામાં ચાલતી ભાગવત સપ્તાહમાંથી પકડી પાડ્યો છે. ખેડૂતો ઘણા સમયથી તેમના હકના રૂપિયા મેળવવા યાર્ડના ઘરમ ધક્કા ખાઈ રહ્યા છે. ત્યારે પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલ આ વેપારીને કડક સજા કરવા માગ કરી છે. આગામી ૧૫ દિવસોમાં ખેડૂતોને તેમના નાણાં નહીં મળે તો ઈચ્છા મૃત્યુની માગ કરી આ અંગે તાકીદે ઘટતું કરવા રાજ્યપાલને આવેદનપત્ર પાઠવી માગ કરી તેમજ યુવા કિશાન લડત સમિતિની આગેવાની હેઠળ ઉપવાસ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.