(સંવાદદાતા દ્વારા) કોડીનાર,તા.૩૧
કોડીનાર તાલુકાના ગીરદેવળી ગામે યુવાનની લોહીલુહાણ હાલતમાં રહસ્યમય સંજોગમાં લાશ મળી આવતા આ યુવાનની હત્યા થઈ છે કે, કેમ તેના તર્ક વિતર્ક સર્જાયા છે.
ઘટનાની વિગત મુજબ તાલુકાના ગીરદેવળી ગામે રહેતા અને એકમાત્ર વાણેદ કામ કરતા યુવાન બાલુભાઈ રામભાઈ સોલંકીને તેજ ગામનો રણજીત અરજન વોજા નામનો યુવાન ગઈકાલે સવારે ૧૧ વાગે ઘરેથી બોલાવી ગયેલ બાદ આ રણજીતના જ વાડામાંથી બાલુભાઈ લોહી નીકળતી હાલતમાં મળી આવેલ આ અંગે મૃતક વાણંદના પુત્રએ રણજીતને પૂછતા તેઓ કાંઈ ન જાણતા હોવાનું જણાવેલ. જેથી મૃતક બાલુભાઈના પુત્ર કાનજીએ તેના પિતાની લાશ કોડીનાર સરકારી દવાખાને પી.એમ. માટે ખસેડી હતી. થોડા સમય પહેલા રણજીત અને મૃતકના પુત્ર કાનજી સાથે ડખો થયો હતો. આ ડખાના કારણે રણજીતે બાલુભાઈનું ઢીમ ઢાળી દીધાનું ચર્ચાઈ છે. કોડીનાર પોલીસ સ્ટેશનમાં ઘણાં સમયથી પી.આઈ.ની જગ્યા ખાલી છે. એમા પણ પી.એસ.આઈ. હેરમાની બદલી થઈ જતા હવે ત્રણ પી.એસ.આઈ. રહ્યા છે. જે કોડીનાર શહેર અને તાલુકા માટે પુરતા નથી. એમાં પણ કોડીનાર પી.એસ.ઓ.ના ચાર્જમાં રહેતા કર્મચારી બે જવાબદારભર્યું વર્તન કરતા હોવાની ફરિયાદ ઉઠી છે. કોડીનારમાં ગીરદેવળી ગામની ઘટનાના ર૪ કલાક પછી પણ પોલીસે શું પગલા લીધા તે અંગે કોઈ માહિતી પત્રકારોને અપાતી નથી. જેથી સાચી વાત લોકો સુધી પહોંચાડી શકાતી નથી.