કોડીનાર, તા.૧૪
ઘાંટવડ ગામના સાયલી સીદ્દીકભાઈ ઉમરભાઈએ પોલીસમાં જણાવ્યું છે કે, તે પોતાના ઘરેથી રૂદ્રેશ્વર મંદિરવાળા રોડ ઉપર જઈ રહ્યો હતો ત્યારે અતિ બિસ્માર આ રોડ ઉપરના ખાડાઓ કમોસમી વરસાદથી ભરાઈ ગયા હોઈ કિચડના કારણે તેઓ લપસી જતાં પડી જવાની પગમાં ઈજાઓ પહોંચી હતી. આ રોડનું કામ જૂનાગઢની મે.દાસા ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીએ ગત તા.૧૧/પ/૧૭ના રોજ ટેન્ડર ભરી રાખ્યું હતું અને કામ છ માસમાં પૂરૂં કરવાનું હતું. પરંતુ છ માસમાં કામ પૂરૂં ન થતાં અને અધૂરૂં છોડી આ કોન્ટ્રાક્ટર ચાલ્યા ગયા હોઈ આ બાબતે તેઓએ અવારનવાર તંત્રનું ધ્યાન દોર્યું હતું. દરમ્યાન ત્રણ વર્ષથી ટલ્લે ચડેલા આ રોડ એકદમ બિસ્માર થઈ ગયેલ હોઈ અવારનવાર અકસ્માત થતાં હોઈ કોન્ટ્રાક્ટરની બેદરકારીને જવાબદાર ગણી તેની સામે કાયદેસર પગલાં લેવા સીદ્દીકભાઈએ તમામ આધાર પુરાવા સાથે પોલીસ ફરિયાદ દાખલ કરવા અરજી કરતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ અંગે કોડીનાર પંચાયત પેટી વિભાગના ના.કા.ઈ.નો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે, ઉપરોક્ત કામ ર૦૧૭માં જૂનાગઢની આર.એમ.દાસા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આપવામાં આવેલ અને છ માસમાં ત્યાં રોડ બનાવી કામ પૂરૂં કરવા વર્ક ઓર્ડર અપાયેલ બાદ છ માસમાં કામ પૂરૂં નહીં કરીને આ કોન્ટ્રાક્ટર કામ અધૂરૂ છોડી ચાલ્યા ગયેલ અને અવારનવાર અત્રેની કચેરીથી નોટિસ પણ પાઠવવામાં આવેલ. તેમજ આ કોન્ટ્રાક્ટર દ્વારા કોડીનાર તાલુકામાં અન્ય રાખેલા રોડના કામ અધૂરા છોડ્યા છે. ઉપરાંત નબળા રોડ બનાવવાને કારણે અકસ્માત સર્જાય તેવા ખાડા પડી જવાના કારણે ટેન્ડરની શરત મુજબ કામ ન કરવાથી તેને વારંવાર નોટિસ આપવા ઉપરાંત ઉપલી કચેરી ગીર-સોમનાથ ખાતે આ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટમાં મૂકવા દરખાસ્ત કરી છે. ગીર-સોમનાથ કચેરીએ વડી કચેરી પંચાયત વિભાગના અધિક્ષકને રાજકોટ ખાતે પત્ર લખવા છતાં આ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટમાં મૂકવા કે તેમણે કોડીનાર તાલુકામાં છેલ્લા ત્રણ વર્ષથી અધૂરા છોડેલા કે નબળા કરેલા બાંધકામ બાબતે પગલાં નહીં લેવાતા એક જાગૃત નાગરિક દ્વારા આ તેમને થયેલ શારીરિક નુકસાન બાબતે પોલીસમાં આ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ દાખલ કરવા હિંમત કરી છે ત્યારે તંત્ર હવે જવાબદાર સામે દાખલારૂપ પગલાં લેય તે ઈચ્છનીય છે.