(સંવાદદાતા દ્વારા) કોડીનાર,તા.ર૯
કોડીનાર કોંગ્રેસના ધારાસભ્ય મોહનભાઈ વાળા આજે સવારે ૧૧ કલાકેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી ફરી શરૂ કરવાના મુદ્દે મામલતદાર કચેરીમાં ખેડૂતો સાથે બેસી જતા આ મુદ્દે મોડી સાંજે મામલતદાર કચેરીમાં ધારાસભ્ય મોહનવાળા અને તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ દિલીપભાઈ મોરી વચ્ચે વાટાઘાટો શરૂ થતા અને દિલીપભાઈ મોરીએ માર્કેટીંગ યાર્ડના પ્રિમાયસીસમાં પડેલી ખેડૂતોની મગફળીની વહેલામાં વહેલી તકે ટેકાના ભાવે તોલ કરવાની ખાત્રી આપતા અને ટેકાના ભાવે મગફળી ખરીદીનું ખેડૂતો પ્રશ્ન હલ થતા ધારાસભ્ય મોહનભાઈ વાળાએ સાંજે ૬-૩૦ કલાકે મામલતદાર ચેમ્બર્સ છોડી તેમના ડોમે જવા રવાના થતા આ સમગ્ર પ્રકરણનો સુખદ અંત આવ્યો હતો.
કોડીનારના ધારાસભ્ય મોહનભાઈ વાળાએ આજે મગફળીની ટેકાના ભાવે બંધ કરાયેલી ખરીદી ફરી શરૂ કરવાના મુદ્દે તંત્ર સામે શિંગડા ભેરવી કોડીનાર મામલતદારની ચેમ્બર્સમાં જ ખેડૂતો સાથે ડેરાતંબુ નાખી જયાં સુધી આ પ્રશ્ન હલ ન થાય ત્યાં સુધી મામતલદારની ચેમ્બર્સમાંથી નહીં હટવાનું નક્કી કરતા તંત્ર ધંધે લાગ્યું હતું.
આ અંગે ધારાસભ્ય મોહનભાઈ વાળાએ પત્રકારોને જણાવ્યું હતું કે સરકારે શરૂ કરેલી ટેકાના ભાવે મગફળી ખરીદી અંતર્ગત ખેડૂતોને ઓન લાઈન રજિસ્ટ્રેશન કરવું પડે છે. જે ખેડૂતોએ રજિસ્ટ્રેશન ર૩-૧૧-૧૭ સુધી કરાવેલ પણ છે અને રપ-૧૧ એગેટપાસ લઈને મગફળી માર્કેટીંગ યાર્ડમાં લાવ્યા હોવા છતાં આવા ખેડૂતોની મગફળી આજદીન સુધી સરકારી ભાવે જોવાઈ નથી. તેમજ સતાધીશો પઠાધિકારીઓના લાગતા વળગતા ખેડૂતોની મગફળી ટેકાના ભાવે જોવાઈ ચુકી હોવાનો સનસનાટી ભર્યો આક્ષેપ કર્યો હતો. આ ઉપરાંત મોહનભાઈવાળા એ જણાવ્યું હતું કે દોઢ-દોઢ મહિનાની ખેડૂતોની મગફળી માર્કેટીંગ યાર્ડમાં ધૂળ ખાઈ રહી છે. આ અંગે રજૂઆત કરવા છતાં નિર્ણય તંત્ર કઈ કરતું ન હોય હવે જયાં સુધી ખેડૂતોનો આ પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી અહી મામલતદાર ઓફિસમાં જ બેસવા અને આ જગ્યા ન છોડવાનું જણાવ્યું હતું.