(સંવાદદાતા દ્વારા) કોડીનાર, તા.૧૫
કોડીનારના રોણાજ ગામના મુસ્લિમ યુવક અયુબભાઈ શેખનું બુટલેગર અને તેના સાગરિતોએ અપહરણ કરી તેમની ક્રૂર હત્યા કરી લાશ સીમમાં ફેંકી નાસી ગયાની ઘટનામાં મૃતકના પુત્ર ઈબુએ પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ કોડીનારના પીઆઈ જી.કે. ભરવાડેે સઘન તપાસ હાથ ધરી ફક્ત ૪૮ કલાકમાં જ હત્યારાઓને પકડી પાડ્યા છે. આ અંગેની વિગત મુજબ દેવળી ગામનો નામચીન શખ્સ બુટલેગર રઘુ ગાંડા દાહીમાં રોણાજ ગામે દારૂનો વેપાર કરતો હોય અયુબભાઈ શેખે તેને ગામમાં દારૂનો વેપલો કરવાની ના પાડી હોય તેનું મનદુઃખ રાખી રઘુ ગાંડા અવાર-નવાર અયુબભાઈ સાથે ઝઘડો કરતો હોય તે બાબતને લઈને ગત તા.૧ર/૧ના રોજ અયુબભાઈ શેખ વેલણ ગામે આવેલ જન્નશા પીરની દરગાહે ચાલીને જવાની માનતા રાખી હોય માનતા ઊતારવા ચાલીને જવા નીકળ્યા તે વખતે રોણાજ બસ સ્ટેન્ડ પાસે રઘુ ગાંડા અને અન્ય શખ્સોએ આગળ ચાલીને જતા અયુબભાઈને ફોર વ્હીલમાં બેસાડી અપહરણ કરી લઈ ગયા બાદ બાવાના પીપળવા ગામની સીમમાં અયુબભાઈ શેખની લાશ મળી આવતા આ અંગે મૃતકના પુત્રની ફરિયાદના આધારે પોલીસે સઘન તપાસ હાથ ધરી હત્યારાઓને પકડી પાડવા ચક્રોગતિમાન કરી મુખ્ય આરોપી રઘુ ગાંડા દાહીમાને ગતરાત્રીના છાછર ગામની સીમમાંથી પકડી પાડી તેની પ્રાથમિક પૂછપરછ કરી હત્યા કેસમાં સંડોવાયેલા તેના અન્ય ત્રણ સાથીઓ રવિ સિદી ડાભી (ઉ.વ.૨૧) રહે. કોડીનારને જૂના બસ સ્ટેન્ડ પાસેથી અને હરી મેરામણ બારડ (ઉ.વ.૪૯) તેમજ નટુ લક્ષ્મણ દાહીમાં (ઉ.વ.૩૭) રહે. બંને દેવળીને પણ ગત મોડીરાત્રીના વાડી વિસ્તારમાં પકડી પાડી ચારેય આરોપીની સઘન પૂછપરછ હાથ ધરી પોલીસે તમામ આરોપીઓને ૧૪ દિવસની રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તમામ ચાર આરોપીઓના આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રોણાજ ગામના અયુબભાઈની હત્યાના પગલે કોડીનાર મુસ્લિમ સમાજમાં ભારે રોષ ફેલાતા મુસ્લિમ સમાજ અને પીડિત પરિવાર દ્વારા અયુબભાઈનો મૃતદેહ સ્વીકારવા ઈનકાર કરાયા બાદ કોડીનારના પીઆઈ જી.કે. ભરવાડે આ ક્રૂર હત્યાના આરોપીઓને વહેલી તકે પકડી પાડી આ જઘન્ય હત્યા કેસમાં સંડોવાયેલા કોઈપણ ચમરબંધીને છોડવામાં નહીં આવે તેવી ખાત્રી ઉચ્ચારતા જામનગર ખાતે પીએમ થયા બાદ ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે ગતરાત્રીના અયુબભાઈની અંતિમવિધિ કરવામાં આવ્યા બાદ આજે મૃતકની ઝિયારતના દિવસે જ ટૂંકાગાળામાં હત્યાકાંડના મુખ્ય આરોપીઓને પોલીસે પકડી પાડતા સમગ્ર મુસ્લિમ સમાજવતી સમસ્ત મુસ્લિમ સમાજના પ્રમુખ સૈયદ ભીખુમિયાંબાપુ કાદરી અને મૃતકના પરિવારજનોએ પોલીસની કામગીરીને બિરદાવી હત્યારાઓને વહેલી તકે કડક સજા અપાવવા માગણી કરી હતી.