(સંવાદદાતા દ્વારા) કોડીનાર, તા.ર
કોડીનાર તાલુકાના અગાઉ સ્માર્ટ વિલેજ ગામ જાહેર થયેલા વિઠ્ઠલપુર ગ્રામ પંચાયતે લોકોની સુખાકારી માટે ગ્રામપંચાયતની ખુદની ત્રિવીઘ યોજના જાહેર કરી તેનો ગામમાં અમલ શરૂ કરાવી અન્ય ગ્રામપંચાયતો માટે આદર્શ ઉદાહરણ પુરૂં પાડી. લોકસેવા માટે મન મક્કમ હોય તો ગમે તે કામ આસાન હોવાનું અન્ય રાજકારણીઓને સબક શીખવાડવાનું કામ વિઠ્ઠલપુર ગ્રામ પંચાયતના યુવા સરપંચે કર્યું છે.
વિઠ્ઠલપુર ગ્રામ પંચાયતના યુવા અને શિક્ષિત સરપંચ પ્રતાપ મહિડા અને તેમની ટીમ દ્વારા ર૬ જાન્યુ. પ્રજાસત્તાક પર્વે ‘દીકરી ભણાવો દીકરી વધાવો’ નામની યોજના જાહેર કરી ગામમાં કોઈપણ ઘરે દીકરીનો જન્મ થાય તો તેને રૂા.૧૦૦૦નું ઈનામ આપી તેની શિક્ષણ આરોગ્યની જવાબદારીમાં સાથ આપી દીકરીઓને પ્રોત્સાહન આપવાની ક્રાંતિકારી યોજના જાહેર કરી છે.
આ ઉપરાંત વિઠ્ઠલપુર ગ્રામ પંચાયત દ્વારા પંચાયત વિદ્યાર્થી દત્તક યોજના પણ બનાવવામાં આવી છે જેમાં ધોરણ ૧થી ૮માં અભ્યાસ કરતા આર્થિક રીતે નબળા, અનાથ, શિક્ષણમાં હોંશિયાર એવા ૮ બાળકોને ગ્રામ પંચાયત દ્વારા દત્તક લઈ, આઠેય વિદ્યાર્થીઓને ધો.૧થી ૮નો સંપૂર્ણ ખર્ચ ગ્રામ પંચાયત ભોગવશે. ભવિષ્યમાં કોઈ બાળક અશિક્ષિત ન રહે એ માટે આ યોજના શરૂ કરાઈ હોવાનું સરપંચ પ્રતાપભાઈ મહીડાએ જણાવ્યું હતું. જ્યારે વિઠ્ઠલપુર ગ્રામ પંચાયત દ્વારા પર્યાવરણ સુરક્ષા યોજના નામે ત્રીજી યોજના પણ અમલી બનાવાઈ છે. જેમાં ગામના દરેક ઘરને ૧ વૃક્ષ આપવામાં આવશે. જે વૃક્ષને ઘર માલિકો યોગ્ય ઉછેર કરી ૧પ ફૂટનું વૃક્ષ કરશે તેને ગ્રામ પંચાયતના વેરામાં ર૦ ટકા જેટલી અંશતઃ રાહત ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવશે. લોકોનો સ્વાસ્થ્ય સારૂં રહે અને લોકોમાં પર્યાવરણ સુરક્ષાનું મહત્ત્વ વધે તેવા ઉદ્દેશથી આ યોજના શરૂ કરાઈ છે.
કોડીનાર તાલુકાના વિઠ્ઠલપુર ગ્રામ પંયાચતનું સુકાન જ્યારથી પ્રતાપભાઈ મહીડાએ સંભાળ્યું છે ત્યારથી આ ગામ એક આદર્શ ગામ તરીકે ઉભરી રહ્યું છે. અગાઉ સ્માર્ટ વિલેજ જાહેર થયેલ વિઠ્ઠલપુર ગામને નવી સરકારે વૃંદાવન ગામમાં પણ સમાવેશ કર્યો છે. વિઠ્ઠલપુર ગામ સંપૂર્ણ સીસીટીવી કેમેરાથી સજ્જ અને ફ્રી વાઈફાઈ ગામ અને ૧૦૦ ટકા શૌચાલય ધરાવતું ગામ છે. આ ઉપરાંત ગામમાં પ્રવેશ કોટ, રસ્તા, ફૂટપાથ,તેમજ ગામમાં એનાઉન્સમેન્ટ કરવા માટે ૬૦થી વધુ માઈક સિસ્ટમ દ્વારા ડિજિટલ જાહેરાત સહિત લોકસુખાકારી માટેની તમામ સુવિધા વિઠ્ઠલપુર ગામ ધરાવે છે. ત્યારે આવનારા દિવસોમાં ગામમાં મિલ્ક એટીએમ, આર.ઓ. પાણી પ્લાન્ટ, મહિલાઓને સ્વનિર્ભર બનાવવા ગૃહઉદ્યોગ શરૂ કરવા તેમજ ગામમાં સ્વચ્છતા અભિયાન શરૂ કરી ડોર ટુ ડોર કચરા કલેકશન શરૂ કરવા ઉપરાંત અનેક ઘણી યોજનાઓ શરૂ કરવામાં આવનાર હોવાનું સરપંચ પ્રતાપભાઈ મહીડાએ જણાવ્યું હતું.
આ ઉપરાંત વિઠ્ઠદપુર ગામમાં છ વર્ષ પહેલાં ફકત ૮ દિવસમાં સ્વયંભૂ દારૂબંધી કરવામાં આવ્યા બાદથી ગામમાં દારૂનું ટીપુંય પણ મળતું નથી.