કોડીનાર, તા.ર૬
ગીર સોમનાથ એસ.પી.એ જિલ્લામાં પોલીસ કર્મીઓની સામૂહિક બદલીઓ કરતા અને આ બદલીઓ કોડીનાર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ૪૦ પોલીસ કર્મીઓની પણ બદલી થતાં પોલીસ બેડામાં ભારે ચકચાર સાથે કહી ખુશી કહી ગમ જેવો માહોલ સર્જાયો છે. આ અંગેની વિગત મુજબ ગીર સોમનાથ જિલ્લાના એસ.પી.રાહુલ ત્રિપાઠીએ મોટાપાયે બદલીનો ગંજીફો ચિપી જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં છેલ્લા ૩ વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવતા અને અન્ય જગ્યાએ બદલીઓ માટે માગણી કરનાર કુલ ૧૭૮ પોલીસ કર્મીઓની તાત્કાલિક અસરથી સામૂહિક બદલીઓ કરતા અને આ બદલીમાં કોડીનાર પોલીસના ૪૦ કર્મીઓની પણ બદલીનો ઓર્ડર છૂટતાં કોડીનાર પોલીસ બેડામાં ભારે ચકચાર સાથે કહી ખુશી કહી ગમ જેવો માહોલ છવાયો છે. લોકસભા ચૂંટણી અનુસંધાને મોટાપાયે બદલીઓ કરાઈ હોવાનું પોલીસ બેડામાં ચર્ચાઈ રહ્યું છે. ત્યારે આ બદલીઓના કારણે કોડીનાર સ્થાનિક પોલીસ કર્મીઓ અને છેલ્લા ઘણા સમયથી કોડીનાર પોલીસમાં રહેલા ૪૦ કર્મચારીઓની સામૂહિક બદલીઓ થતાં હવે કોડીનાર પોલીસમાં નવા ચહેરાઓ નજરે પડશે. જિલ્લા એસ.પી.એ કોડીનારના ૪૦ પોલીસ કર્મીઓની બદલીની સામે ૩૧ પોલીસ કર્મીઓને કોડીનારમાં નિમણૂંક કરી છે.