કોડીનાર, તા.૧
કોડીનારની અંબુજા સિમેન્ટમાં સ્થાનિક રોજગાર મુદ્દે વડનગર ગામના બેરોજગાર યુવાનો છેલ્લા ત્રણ દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠા છે. જેમાં કુલ છ યુવાનોના બીપી તથા સુગર ઘટવાથી નાજૂક સ્થિતિ થતાં તેમની મનાઈ હોવા છતાં પોલીસ દ્વારા બળજબરીથી દવાખાને ખસેડાયા હતા, બેરોજગાર યુવાનોના સમર્થનમાં વધુ ત્રણ યુવાનો આમરણાંત ઉપવાસ પર બેઠા છે. તેમના સમર્થનમાં મોટી સંખ્યામાં અન્ય યુવાનો ધરણા કરી રહ્યા છે, ત્યારે નિંભર કંપનીના સંચાલકોએ સ્થાનિક તંત્ર અને જિલ્લા કલેક્ટરને પત્ર પાઠવી સરકારની ગાઈડલાઈન પ્રમાણે ૮પ ટકા સ્થાનિક લોકોને રોજગારી આપી હોવાનું અને બાકીના ટેકનિકલ અને સિમેન્ટ પ્લાન્ટના અનુભવી લોકો લીધા હોવાનું નફ્ફટાઈભર્યું નિવેદન કરતા ઉપવાસીઓમાં ભારોભાર રોષની લાગણી ફેલાઈ છે. જો કે, હજુ સુધી સિમેન્ટ કંપનીના કોઈપણ જવાબદાર અધિકારી ઉપવાસી લોકોની મુલાકાત લીધી નથી કે કોઈ સમાધાનકારી વલણ અપનાવેલ નથી ત્યારે કંપનીએ બીજો એક પત્ર સરકારમાં મોકલીને આંકડાની ઈન્દ્રજાળ જણાવી હતી કે હાલમાં કંપનીમાં ર૦૦૦ જેટલા લેબર કામ કરે છે. જેમાં પ૦૦ યુવાનો વડનગરના છે. ૬૮૦ કાયમી કર્મચારીમાંથી ૧પ૦ યુવાનો માત્ર વડનગરના જ છે. ટ્રાન્સપોર્ટ કાર્યમાં વડનગરના પ૦ ટ્રકો ચાલતા હોવાનું અને કંપનીના કુલ ૬૬ કોન્ટ્રાક્ટ ચાલે છે. જેમાં ૩૦ કોન્ટ્રાક્ટ વડનગર ગામના ફાળે હોવાનું જણાવેલ છે. જ્યારે વર્તમાન સમસ્યા પેકિંગ પ્લાન્ટના મજદૂરોની છે. જે ચલાવવા કુશળ કારિગરોની જરૂરિયાત છે. જેમાં ગુજરાતમાંથી કારિગરો લાવ્યાનું જણાવ્યું છે. ત્યારે સમાધાનકારી વલણ અપનાવવાને બદલે અંબુજા કંપનીના જવાબદારો સરકારમાં પત્ર લખીને શું સાબિત કરવા માંગે છે ? પરંતુ છેલ્લા ત્રણ દિવસથી ઉપવાસીઓની તબિયત બગડવા ઉપરાંત આ ઉપવાસીઓને ગામેગામથી મળતો ટેકો આ ચિંગારી આગ બને તે પહેલાં કંપની મેનેજમેન્ટ સામે સરકાર દરમિયાનગીરી કરે તેવી આમ જનતાની માગણી છે.