કોડીનાર, તા.૧૪
કોડીનાર શહેરમાં સામાકાંઠા વિસ્તારમાં આવેલી જીનિંગ મિલમાં આજે બપોરના સુમારે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા જીનિંગમાં રહેલો કપાસ ખાક થઈ જતાં કરોડો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ છે. આ લખાઈ રહ્યું છે ત્યારે પણ આગ કાબૂમાં આવી ન હોય. ફાયર ફાઈટરો આગ કાબૂમાં લેવા અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. આ ઘટનાની પ્રાથમિક જાણવા મળતી વિગત મુજબ સામાકાંઠા વિસ્તારમાં આવેલી હાજી અલી મહંમદ મુસા એન્ડ કાું.નામની જીનિંગ મિલમાં આજે બપોરના ૩ઃ૩૦ કલાકના સુમારે અચાનક અકસ્માતે આગ લાગતા અને આ આગે ક્ષણભરમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા જીનિંગ મિલમાં રહેલા કરોડો રૂા.ના કપાસનો જથ્થો આગની લપેટમાં આવી જતાં ખાક થઈ ગયો હતો જ્યારે આગ લાગતા જીનિંગ મિલમાં કામ કરી રહેલા મજૂરોએ ઓફિસમાં જઈ આગ લાગ્યાના સમાચાર આપતા ઓફિસનો સ્ટાફ જીનિંગ મિલમાં દોડીને જતાં અને તેમાંથી હનીફ સત્તારભાઈ સોપારિયા અને અશ્વીનભાઈ ચુડાસમા નામના બંને મહેતાજીઓ આગ ઓલવવા જતાં આગની ઝપેટમાં આવી જતાં બંને મહેતા ગંભીરરૂપે દાઝી જતાં બંનેને રાજકોટ સારવાર અર્થે રીફર કરાયા છે. જીનિંગ મિલમાં વિકરાળ આગ લાગ્યાની જાણ થતાં અંબુજાનગરના ર ફાયર ફાઈટર, કોડીનાર નગરપાલિકાના ૧ ફાયર ફાઈટર ઘટનાસ્થળે દોડી જઈ આગને કાબૂમાં લેવા સતત પ્રયત્નો કરી રહ્યા છે, પરંતુ અઢી કલાક જેટલો સમય થયો હોવા છતાં આગ હજુ કાબૂમાં ન આવી હોય ફાયર ફાઈટરો આગને કાબૂમાં લેવા દોડાદોડી કરી રહ્યા છે. હાજી અલી મુસા એન્ડ કાું. જીનિંગ મિલના માલિક નૂરમહંમદભાઈ હાલાઈ કમનસીબે કોડીનારમાં હાજર ન હોય તે રાજકોટથી કોડીનાર આવવા રવાના થઈ ગયા હોવાના અને નુકસાનીના આંકડા આવતીકાલે જાણવા મળે તેવી શક્યતા છે. આગ લાગ્યાની જાણ થતાં નગરપાલિકાના પ્રમુખ શિવા સોલંકી અને તેમની ટીમ ચૂંટણી પ્રચારનું કાર્ય છોડી તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈ બચાવ કામગીરીમાં જોડાઈ માનવ સેવાનું ઉદાહરણ પૂરૂં પાડ્યું હતું.
ભારે પવને આગને વધુ વિકરાળ બનાવી
કોડીનાર જીનિંગ મિલમાં લાગેલી આગે ભારે પવનના કારણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાનું અનુમાન છે. કોડીનારમાં આજે વહેલી સવારથી ભારે પવન ફૂંકાઈ રહ્યો છે.
ફાયર ફાઈટરોમાં અવાર-નવાર પાણી ખૂટ્યું
જીનિંગ મિલમાં લાગેલી આગને કાબૂમાં લેવા મથતા ત્રણ-ત્રણ ફાયર ફાઈટરોમાં અવાર-નવાર પાણી ખૂંટી જતાં આગને કાબૂમાં લેવાના પ્રયત્નોમાં વિઘ્ન આવતું હતું. ફાયર ફાઈટરો પાણી ભરવા માટે વારંવાર દોડાદોડી કરી રહ્યા છે.