કોડીનાર, તા.૧૪
કોડીનારમાં આવેલી અંબુજા સિમેન્ટની કંપનીના પ્લાન્ટમાં આજે સવારે અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. આ અંગે જાણવા મળતી વિગત મુજબ અંબુજા સિમેન્ટ કંપનીમાં આવેલ ગજ અંબુજા સિમેન્ટ પ્લાન્ટમાં રો મટીરીયલ લઈ જતાં કલીન્કર ડિપાર્ટમેન્ટમાં કન્વેટર બેલ્ટમાં અચાનક અકસ્માતે ભીષણ આગ ફાટી નીકળતા જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. પ્લાન્ટની અંદર આગ લાગતા પ્લાન્ટમાં કામ કરતા કર્મચારીઓ અને મજૂરો દોડીને સુરક્ષીત જગ્યાએ પહોંચી જતા જાનહાની ટળી હતી. પ્લાન્ટમાં ભીષણ આગના પગલે કંપનીના ફાયર ફાઇટરોએ તુરંત જ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી એક કલાક બાદ આગને કાબૂમાં લીધી હતી. ભીષણ આગ લાગતા દૂરદૂર સુધી ધૂમાડા જોવા મળ્યા હતા. આગને લઇને કંપનીમાં મોટુ નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે, આ આગની ઘટના અંગે અંબુજા કંપનીના અધિકારીનો સંપર્ક કરતા તેમનો સંપર્ક ના થઇ શકતા હજુ આગ લાગવાનું કારણ જાણવા મળી શક્યું નથી. ઘટના સ્થળે હાજર લોકોએ ભીષણ આગના દૃશ્યોના કેમેરામાં કંડારી સોશ્યલ મીડિયામાં વાયરલ કરતા આ પ્રકરણ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.