(સંવાદદાતા દ્વારા)
કોડીનાર, તા.૯
કોડીનારમાં અમદાવાદથી આવેલા એક શખ્સને કોરોના પોઝિટિવ આવ્યા પછી તેની સાથે આવેલા અન્ય આઠ લોકોને પણ કોરોના પોઝિટિવ આવતા કોડીનાર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. અમદાવાદના ખોડિયાર નગર ખાતેથી ઈનોવા ગાડીમાં એક ડ્રાઈવર સહિત નવ લોકો કોડીનાર ખાતે આવેલા હતા. જેમાં કિશોરભાઈ પરશોતમભાઈ પરમારને ગળામાં દુઃખાવાની ફરિયાદ હતી જેથી ફરજ પરના ડોક્ટરોને શંકા જતા તેમનો ટેસ્ટ કરાવતા તે કોરોના પોઝિટિવ આવેલ જેથી તંત્રએ ઈનોવા ગાડીમાં આવેલ તમામને તેમજ તેમના સંપર્કમાં રહેલા ૩૨ લોકોની યાદી જાહેર કરી જે તે સ્થળે ક્વોરન્ટાઈન કર્યા હતા. આ તમામ લોકોમાંથી ઈનોવા ગાડીમાં કિશોરભાઈ સાથે સતત સંપર્કમાં રહીને મુસાફરી કરી રહેલા ગીરગઢડા તાબાના બોડીદર ગામના વિપુલ બાબુભાઈ પરમાર, સેજલ વિપુલભાઈ, યશ્વી વિપુલભાઈ, દિનેશ બાબુભાઈ પરમાર તેમજ કોડીનારના વિરાટનગરમાં રહેતા કિશોરભાઈ પરમારના પત્ની ભાવનાબેન તથા તેમના બાળકો પ્રિયંકા અને માનવને કોરોના પોઝિટિવ આવ્યા છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાંથી આવેલા અને રોડીનારના જીનપ્લોટમાં રહેતા ચિરાગ મગનભાઈ નામનો યુવાન જે કોડીનાર આવેલ ત્યારે ક્વોરન્ટાઈન કરવામાં આવેલ જેનો પણ કોરોના પોઝિટિવ આવતા બે દિવસમાં બહારગામથી આવેલા કુલ નવ લોકોના કોરોના પોઝિટિવ આવતા લોકોમાં ભય પ્રસરી ગયો છે.